મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરનારા માટે મોટા ન્યૂઝ, બે દિવસ બ્લોક રહેશે
મુંબઈ: ઉત્તરાયણના તહેવાર પછી મુંબઈથી ગુજરાત કે ગુજરાતથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓ એક મહત્વના સમાચાર આવ્યા છે, કારણ બે દિવસનો મહત્ત્વનો બ્લોક હાથ ધરવામાં આવશે. ગુજરાતના ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે બ્રિજ નંબર 264ના સમારકામ માટે 16 અને 17 જાન્યુઆરી 2024 એમ બે દિવસ વિશેષ બ્લોક લેવામાં આવશે. બે દિવસના બ્લોક દરમિયાન અમુક પેસેન્જર-મેલ ટ્રેનોને રદ કરવાની સાથે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે, જ્યારે અમુક ટ્રેનોનું શેડ્યૂલ રિશેડ્યૂલ કરવામાં આવશે.
બ્લોકને કારણે પશ્ચિમ રેલવેમાં મુંબઈથી રવાના થતી અનેક ટ્રેનોને અસર થશે, જેમાં અમુક ટ્રેનોને સંપૂર્ણ રદ, અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે. ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે 16 જાન્યુઆરીના મંગળવારે બપોરે એક વાગ્યાથી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી સાડાચાર કલાકનો બ્લોક રહેશે. 17 તારીખના બુધવારે સવારે નવ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી સાડા ચાર કલાકનો બ્લોક રહેશે.
પશ્ચિમ રેલવેમાં વેરાવલ-વલસાડ સ્પેશિયલ (ટ્રેન નંબર 09143), વલસાડ-ઉમરગામ રોડ (09154) અને ઉમરગામ રોડ-વલસાડ (09153) આ ત્રણ ટ્રેનોને પૂર્ણપણે રદ કરવામાં આવી છે તેમ જ આ યાદીમાં વડોદરા-દહાણુ રોડ એક્સ્પ્રેસ ટ્રેન (22930)ને વાપી સુધી જ દોડાવવામાં આવશે. દહાણુ રોડ-વડોદરા (22929) એક્સ્પ્રેસને દહાણુને બદલે વાપીથી રવાના કરવામાં આવશે. ત્યાર બાદ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર (09159)ને ઉમરગામ સુધી અને વાપી-વિરાર સ્પેશિયલ (09144) આ ટ્રેનને ઉમરગામ સુધી જ દોડાવાશે.
બ્લોકને કારણે મુંબઈથી ગુજરાત જતી અને ગુજરાતથી મુંબઈ આવતી અનેક ટ્રેનોને પણ અસર થઈ છે. આવી ટ્રેનોમાં બોરીવલી-વલસાડ સ્પેશિયલ (09085)ને ભીલાડ સુધી, બાન્દ્રા બાન્દ્રા ટર્મિનસ-વાપી સ્પેશિયલ ટ્રેન (09159)ને સંજાણ અને વાપી-વિરાર (09144) આ ટ્રેનને સંજાણ રેલવે સ્ટેશનથી દોડાવાશે, જ્યારે આ ત્રણ ટ્રેનોને 17 જાન્યુઆરીના રોજ આંશિક રીતે રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, 16મી જાન્યુઆરીના બ્લોકને કારણે કુલ 13 ટ્રેનને રેગ્યુલેટ કરવામાં આવી છે. આ ટ્રેનો 30 મિનિટથી અઢી કલાક સુધી રેગ્યુલેટ થતાં તે અમુક કલાક સુધી મોડી પડી શકે છે. આ સાથે 12 જેટલી વધુ ટ્રેનોને પણ 16 અને 17 જાન્યુઆરીએ આ બંને દિવસે પુનઃનિર્ધારિત અને રેગ્યુલેટ કરવામાં આવી છે. જોકે, બે દિવસના બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઈ શકે છે, તેથી પ્રવાસીઓને બે દિવસ ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડશે.