વસઈ-વિરારવાસીઓ માટે આવ્યા મોટા ન્યૂઝઃ આટલા ફ્લાયઓવરનો માર્ગ મોકળો
મુંબઈઃ વસઈ વિરાર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા ૧૨ ફ્લાયઓવર અને ૭ રોડ કોંક્રીટીંગના કામોની એક નવી દરખાસ્ત એમએમઆરડીએને મોકલવામાં આવી છે. એમએમઆરડીએ દ્વારા આ કામો માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરાતા પુલ બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે.
વસઈ વિરાર શહેરમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. નવી વસાહતો વિકસી રહી છે. શહેરની વસ્તી ૨૫ લાખને વટાવી ગઈ છે. શહેરમાં રસ્તાઓ સાંકડા અને વાહનોની સંખ્યા વધી રહી છે. જેથી દરરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
મોટાભાગના ટ્રાફિક જામ શહેરના પૂર્વથી પશ્ચિમ તરફ થાય છે. ખાનગી કંપનીએ શહેરના રસ્તાઓ, વધતી જતી વસ્તી, વાહનોનો અભ્યાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. જે અનુસાર ભવિષ્યમાં શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને મુખ્ય પુલ અને રસ્તાઓ પર ૧૨ ફ્લાયઓવર બનાવવાની જરૂર હતી.
પાલિકા દ્વારા ૨૦૧૪-૧૫માં ૧૨ ફ્લાયઓવરની પ્રથમ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પરંતુ નાણાંના અભાવે આ કામ અટકી ગયું હતું. નવેમ્બર મહિનામાં, પાલિકાએ ૧૨ ફ્લાયઓવર અને રસ્તાના કામો માટે એમએમઆરડીએને નવા અંદાજો, યોજનાઓ, ગેરંટી અને અન્ય દસ્તાવેજો સબમિટ કર્યા હતા.
એમએમઆરડીએએ દરખાસ્તને મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ રસ્તાઓ અને ફ્લાયઓવરના કામોનું બજેટ અને આયોજન કરવાની કામગીરી ખાનગી કન્સલ્ટિંગ કંપનીને સોંપવામાં આવી છે. જેના કારણે શહેરમાં ૧૨ ફ્લાયઓવર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.