વિદ્યાવિહારમાં ગર્ડર લોન્ચ કરવા મુદ્દે આવ્યા મોટા સમાચાર
મુંબઈઃ મધ્ય રેલવેમાં વિદ્યાવિહાર સ્ટેશન નજીકના રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે નિર્ધારિત બ્લોકમાં સફળતાપૂર્વક ગર્ડર લોન્ચ કરવામાં આવ્યું હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. મહાનગરપાલિકાના નાગરિક પુલ વિભાગે વિંચ મશીનનો ઉપયોગ કરી વિદ્યાવિહાર સ્ટેશન પરના રોડઓવર બ્રિજના નિર્માણ માટે બીજું ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગર્ડર 100 મીટર લાંબુ છે અને તેનો વજન 1,100 મેટ્રિક ટન જેટલો છે.
મધ્ય રેલવે દ્વારા આ ગર્ડરને લોન્ચ કરવા માટે રાતના 1.10 વાગ્યાથી સવારે 4.20 વાગ્યા સુધી મેગાબ્લોક રાખવામા આવ્યો હતો. આ ગર્ડરને લોન્ચ કરવા માટે મધ્ય રેલવે (કુર્લા અને ભાંડુપ વચ્ચે)ની તમામ છ લાઇનમાં પર મેગાબ્લોક રાખવામા આવ્યો હતો. આ બ્લોક દરમિયાન અનેક લાંબા રુટની ટ્રેનોને રદ કરવામાં આવી હતી.
આ ગર્ડર સ્થાપિત કર્યા બાદ બ્રિજની બંને બાજુએ 17.50 મીટર પહોળા રોડનું બાંધકામ કરવામાં આવશે. આ બ્રિજનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂરું થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજા ગર્ડરનું કામ પૂરું થઈ જતાં રેલવેની સીમામાં પ્રોજેક્ટનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટનું કામ ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 12 એન્જિનિયર, સુરક્ષા અધિકારીઓ, સુપરવાઇઝર અને કુશળ કામદારોની ટીમ આ 178 કરોડના પ્રોજેકટને પૂરું કરવાનું કામ કરી રહ્યા છે. આ પુલ લાલબહાદુર શાસ્ત્રી માર્ગને રામકૃષ્ણ ચેમ્બુરકર માર્ગ સાથે જોડવાનું કામ કરશે.
હાલમાં ઘાટકોપર અને સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ ખાતે આવેલા પુલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને લીધે આ પુલ પર ટ્રાફિકન જોવા મળે છે પણ નવો પુલ તૈયાર થયા બાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે, એવો અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.