શરદ પવાર જૂથને મોટો ફટકોઃ અસલી એનસીપી મુદ્દે ચૂંટણી પંચે જાહેર કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નિરંતર નવાજૂની થતી રહી છે, જેમાં આજે ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી માન્ય રાખી છે, તેનાથી શરદ પવારને સૌથી મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પક્ષમાં ચૂંટણી પંચે નિર્ણય માન્ય રાખવાથી અજિત પવારની જીત થઈ છે.
ચૂંટણી પંચે આજે લીધેલા સૌથી મોટા નિર્ણયને કારણે શરદ પવાર જૂથને ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તમામ સાબિતીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે અજિત પવાર જૂથને એનસીપીનું નામ ચૂંટણીના ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી 10થી વધુ સુનાવણી પછી ચૂંટણી પંચ અસલી એનસીપીના વિવાદનો ઉકેલ લાવ્યું છે, જેમાં અજિત પવારના જૂથને સાચી એનસીપી માન્ય રાખવામાં આવી છે. ચૂંટણી પંચે એનસીપીનું નામ અને નિશાન પણ આપ્યું છે. ચૂંટણી પંચે આ અગાઉ શિવસેનામાં વિવાદ ઊભા થયા પછી ઉદ્ધવ ઠાકરે જૂથની સામે નિર્ણય આપ્યો હતો અને એકનાથ શિંદેના પક્ષને અસલી શિવસેના માન્ય રાખી હતી.
ઉલ્લેખનીય છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વિધાનસભ્યોના અપાત્રતાના ઠરાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી)ના વિધાનસભ્યોનું ભવિષ્ય પણ સ્પીકરના હાથમાં છે, જેના અંગે પંદરમી ફેબ્રુઆરીના નિર્ણય લેવામાં આવશે.