મહારાષ્ટ્ર વિધાનસભાએ સીજેઆઈ ગવઈનું ટોચના પદ પર નિયુક્તિ બદલ સન્માન કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ટોચના પદ પર બઢતી મળવા બદલ અભિનંદન આપ્યા હતા. સભાપતિ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે ન્યાયાધીશ ગવઈની સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા તરીકે નિમણૂંક ગર્વની વાત છે.
આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. આવો જ અભિનંદન પ્રસ્તાવ રાજ્ય વિધાન પરિષદમાં અધ્યક્ષ રામ શિંદે દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને ઉપલા ગૃહે સર્વાનુમતે સ્વીકાર્યો હતો.
24 નવેમ્બર, 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા, ન્યાયાધીશ ગવઈને 14 નવેમ્બર, 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ 12 નવેમ્બર, 2005ના રોજ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા હતા.
તેમણે 14 મેના રોજ ભારતના બાવનમા મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે શપથ લીધા હતા, જે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પછી આવ્યા હતા. તેમના પિતા આર. એસ. ગવઈ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ તેમજ બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
આર. એસ. ગવઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ ગવઈ)ના સ્થાપક હતા.