ભુજબળ બગડ્યા: કસલા વાદા અન કસલા દાદા NCPના નેતૃત્વને કર્યો સવાલ શું હું તમારા હાથનું રમકડું છું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે મંગળવારે કૅબિનેટમાંથી તેમને પડતા મૂકવામાં આવ્યા બદલ પાર્ટી પ્રમુખ અજિત પવારની ટીકા કરતાં કહ્યું હતું કે વાહ રે, દાદાચા વાદા, દાદાચા વાદા, કસલા વાદા અન કસલા દાદા. તેમણે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમને કેબિનેટમાં સામેલ કરવાના પક્ષમાં હતા, પરંતુ પાર્ટીમાંથી કોઈએ તેમનું પત્તું કાપ્યું હતું અને આ વ્યક્તિ કોણ છે તે હું શોધી કાઢીશ.
તેમણે કહ્યું હતું કે એનસીપી પ્રમુખ અજિત પવાર પાર્ટી માટે નિર્ણયો લે છે જેમ કે ભાજપ માટે ફડણવીસ અને શિવસેના માટે એકનાથ શિંદે.
એક દિવસ પહેલા તેમની ‘જહાં નહીં ચૈના, વહાં નહીં રહેના’ ટિપ્પણી અંગેની અટકળો વચ્ચે, ભુજબળે કહ્યું કે તેઓ બુધવારે એનસીપી કાર્યકરો અને યેવલા મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કર્યા પછી પત્તા ખોલશે. અગ્રણી નેતાએ કહ્યું હતું કે, હું પ્રધાન ન બનવાથી નિરાશ નથી, પરંતુ અપમાનિત અનુભવ કરી રહ્યો છું.
‘મેં નાસિકથી લોકસભા ચૂંટણી લડવાનું સૂચન સ્વીકાર્યું. જ્યારે હું આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભામાં રહેવા માગતો હતો, ત્યારે મને વિધાનસભા ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું. હવે મને આઠ દિવસ પહેલા રાજ્યસભા બેઠકની ઓફર કરવામાં આવી હતી જેને મેં નકારી કાઢી હતી. તેઓએ ત્યારે મારી વાત સાંભળી નહીં, હવે તેઓ તે (રાજ્યસભા બેઠક) આપી રહ્યા છે. શું હું તમારા હાથમાં રમકડું છું?’ એમ તેમણે પૂછ્યું હતું. શું તમને એવું લાગે છે કે જ્યારે તમે મને કહેશો ત્યારે હું ઉભો થઈશ, જ્યારે પણ તમે કહેશો ત્યારે બેસીને ચૂંટણી લડીશ? જો હું રાજીનામું આપીશ તો મારા મતવિસ્તારના લોકોને શું લાગશે? તેમણે પ્રશ્ર્ન કર્યો હતો.
Also read: MVAના કાર્યકાળમાં ફડણવીસ અને શિંદે સામે કાવતરું ઘડાયાનો દરેકરનો આક્ષેપ
મને જાણકારી મળી છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય કૅબિનેટમાં મારા સમાવેશ પર ભાર મૂક્યો હતો. મહાયુતિ ગઠબંધનમાં દરેક પક્ષના વડા તેમના પક્ષ માટે નિર્ણય લે છે. ભાજપ માટે ફડણવીસ, શિવસેના માટે એકનાથ શિંદે અને એનસીપી માટે અજિત પવાર, એમ તેમણે કહ્યું હતું. તેમને કૅબિનેટમાંથી બાકાત રાખવા માટે કોણ જવાબદાર છે તે પૂછવામાં આવ્યું ત્યારે ભુજબળે કહ્યું હતું કે, ‘મારે શોધવું પડશે.’ પ્રશ્ર્ન પ્રધાનપદનો નથી, પરંતુ મારું અપમાન કેવી રીતે કરવામાં આવ્યું તે છે. કાલે મારા કાર્યકરો અને મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કર્યા પછી હું તમને આ વિશે વધુ જણાવીશ, એમ તેમણે કહ્યું હતું. ભુજબળે વધુમાં કહ્યું કે કેબિનેટપદ નકારાયા બાદ તેમણે એનસીપી વડા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે વાત કરી નથી.