ભૂજબળની મુશ્કેલી વધી: મુંબઈ હાઈ કોર્ટે આપી નોટિસ, મહારાષ્ટ્ર સદનમાં મળેલી ક્લિન ચીટ પર સુનાવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિકની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની આશા ધરાવતા છગન ભુજબળને નાશિકની બેઠકની ઉમેદવારી જાહેર થવાની શક્યતા નિર્માણ થઈ ત્યારે જ બરાબર મહારાષ્ટ્ર સદન કૌભાંડનું ભૂત ફરી સળવળ્યું છે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આપેલા નિર્દેશને પગલે કેસની સુનાવણી સોમવારે થઈ ત્યારે મહારાષ્ટ્ર સદનના કેસમાં છગન ભુજબળ સહિત બધા જ આરોપીઓને ફરીથી નોટિસ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના સૌથી વિવાદાસ્પદ મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં 9 સપ્ટેમ્બરે છગન ભુજબળને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. એસીબી કોર્ટમાં દોષમુક્તિ માટે ભુજબળે કરેલી અરજીને પગલે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમની મુક્તિ સામે અંજલી દમાણિયાએ મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
આપણ વાંચો: કસારા ઘાટ પર ખોરવાતા ટ્રાફિક અંગે હાઈ કોર્ટની સાફ વાત
આ પિટિશનની સુનાવણી સોમવારે જસ્ટિસ મોડકની અદાલતમાં કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી મુંબઈ હાઈકોર્ટમાં 12 નંબરની કોર્ટમાં થઈ ત્યારે જસ્ટિસ મોડકે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકરણે કુલ ચાર પિટિશનની અલગ અલગ સુનાવણી કરવામાં આવશે.
છગન ભુજબળ અને અન્ય આરોપીઓને ક્લિન ચીટ આપવાના કેસની સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરવામાં આવશે. ભુજબળ સહિતના રિસ્પોન્ડન્ટને તેમનો જવાબ નોંધાવવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું કોર્ટના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.