ફડણવીસ સરકારમાં ભુજબળને મળ્યું મુંડેનું ખાતું

મુંબઈ: એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા તેના બે દિવસ પછી રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાનું પ્રધાનપદું સોંપવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે 77 વર્ષીય છગન ભુજબળ એનસીપીના બીડના નેતા ધનંજય મુંડેના રિક્ત પડેલા સ્થાન પર કેબિનેટમાં આવ્યા છે અને હવે તેમને ધનંજય મુંડેનું જ ખાતું આપવામાં આવ્યું છે. ભુજબળની રાજકારણમાં મોટી એન્ટ્રી માનવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં તેમને પ્રધાનમંડળથી દૂર રાખવામાં આવ્યા હતા અને આ અંગે તેમણે નારાજી પણ વ્યક્ત કરી હતી.
છગન ભુજબળ પર વિશ્ર્વાસ વ્યક્ત કરતા મહાયુતિ સરકારે તેમને અન્ન અને નાગરી પુરવઠા વિભાગની જવાબદારી સોંપી છે. પહેલા આ વિભાગ ધનંજય મુંડે પાસે હતો. તેમના સ્થાને ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બીડમાં સરપંચની હત્યાના કેસમાં મુંડેના વિશ્ર્વાસુની ધરપકડ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
પ્રધાનપદું મળ્યા બાદ ભુજબળે શું કહ્યું?
છગન ભુજબળે શુક્રવારે અન્ન અને નાગરી પુરવઠા ખાતાની જવાબદારી મળ્યા બાદ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પહેલા વિસ્તરણ વખતે જ કેબિનેટમાં લેવા માગતા હતા. આ વખતે પણ તેમને પ્રધાનપદું મળ્યું તેમાં ફડણવીસનું મોટું યોગદાન હતું.
તેમણે કહ્યું હતું કે, ‘મેં 1991 થી ઘણી વખત મંત્રી તરીકે શપથ લીધા છે અને ઘણા વિભાગો પણ સંભાળ્યા છે.’ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો દ્વારા આપવામાં આવેલી કોઈપણ જવાબદારી હું નિભાવવા તૈયાર છું.
મહારાષ્ટ્ર કેબિનેટમાં અગ્રણી અન્ય પછાત વર્ગ (ઓબીસી) નેતા ભુજબળનો સમાવેશ કરવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકારે આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધાના થોડા અઠવાડિયા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં 687 શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટે માર્ગ મોકળો કર્યાના થોડા દિવસો બાદ આ નિર્ણય આવ્યો છે.
આપણ વાંચો: થાણેમાં સરેરાશ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી
હું ભાજપનો નહીં, એનસીપીનો પ્રધાન: ભુજબળ
છગન ભુજબળે કહ્યું હતું કે પ્રધાનમંડળમાં સમાવેશમાં ભાજપનું મોટું યોગદાન હતું. ફડણવીસે કેબિનેટમાં મારા સમાવેશ માટે આગ્રહ રાખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ મારા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ અગાઉ એ શક્ય બન્યું નહોતું. આમ છતાં હું સ્પષ્ટ કરવા માગું છું કે હું ભાજપનો પ્રધાન નથી, એનસીપીનો પ્રધાન છું. એનસીપી નક્કી કરશે કે કોને પ્રધાન બનાવવા, મુખ્ય પ્રધાન તો ફક્ત સૂચન કરી શકે.
પક્ષનું નેતૃત્વ ભુજબળથી નારાજ હતું
ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્ય કેબિનેટમાંથી ભુજબળની હકાલપટ્ટીએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે તેમણે જૂન 2023માં એનસીપીમાં અજિત પવારના બળવાને ટેકો આપ્યો હતો, જેના કારણે તેમના રાજકીય માર્ગદર્શક શરદ પવાર દ્વારા સ્થાપિત પક્ષમાં વિભાજન થયું હતું. અજિતનું એનસીપી જૂથ ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા પછી ભુજબળને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે, 2024માં મહાયુતિ સત્તામાં આવ્યા પછી ભુજબળને એનસીપીના પ્રધાનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા ન હતા કારણ કે પક્ષનું નેતૃત્વ ઘણા કારણોસર તેમનાથી નારાજ હતું, જેમાં ગયા ઓક્ટોબરમાં તેમના પુત્ર પંકજને વિધાન પરિષદમાં નોમિનેટ કરવાનું દબાણ પણ સામેલ હતું.