ભિવંડીમાં બે શિક્ષક 60 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા

થાણે: થાણે જિલ્લાના ભિવંડી ખાતે 60 હજાર રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ બે શિક્ષકને એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ પકડી પાડ્યા હતા. ફરિયાદીને તેની સેવા સંબંધી અમુક દસ્તાવેજોની જરૂર હતી, જે આપવા માટે બંને શિક્ષકે લાંચ માગી હતી.
આરોપીઓની ઓળખ ભિવંડીની રઇસ હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજના શિક્ષક શાહજાન મોહંમદ અલી મૌલાના અને હેડમાસ્તર ઝિયાઉર રેહમાન મઝહરુલહક અન્સારી તરીકે થઇ હતી.
આ પણ વાંચો: મહિલા સરપંચ 19 હજાર રૂપિયાની લાંચ લેતાં પકડાઇ
એસીબીના થાણે યુનિટનાં ઇન્સ્પેક્ટર અનુપમા ખારેએ જણાવ્યું હતું કે ફરિયાદીએ વેતન પંચની નોંધ અને સ્ટેમ્પ સાથેની સર્વિસ બૂકની નકલ મેળવવા માટે માર્ચ મહિનામાં બંને શિક્ષકનો સંપર્ક સાધ્યો હતો.
આરોપીઓએ આ કામ માટે પ્રથમ પચાસ હજાર રૂપિયા માગ્યા હતા. જોકે બાદમાં ક્લેરિકલ વર્ક, ટાઇપિંગ અને સ્ટેમ્પિંગ ચાર્જનો ઉલ્લેખ કરીને રકમ 60 હજાર કરી દીધી હતી.
દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યા બાદ અધિકારીઓએ ગુરુવારે છટકું ગોઠવીને શાહજાનને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. બાદમાં ઝિયાઉરને પણ તાબામાં લેવાયો હતો. (પીટીઆઇ)