બાળકીની બળાત્કાર બાદ હત્યાના આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ કૃત્ય આચર્યું…

ભિવંડીમાં જ બનેલી ઘટના બાદ બિહાર ફરાર થવાની તૈયારીમાં રહેલો આરોપી પકડાયો
થાણે: છ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા આરોપીએ બીજી બાળકી સાથે પણ એવું જ હીચકારું કૃત્ય કર્યું હતું. સાત વર્ષની બાળકીનો ભોગ લીધા પછી બિહાર ભાગવાની તૈયારીમાં રહેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ભિવંડીમાં પહેલી ઑક્ટોબરે બનેલી ઘટનાના કેસમાં 33 વર્ષના આરોપીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. પડોશમાં રહેતી સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ બાળકીના મૃતદેહને ગૂણીમાં ભરીને ઘરમાં સંતાડ્યા પછી આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બાળકી શૌચાલયમાં જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ ખાસ્સો સમય વીત્યા છતાં તે ઘરે પાછી ફરી નહોતી. પરિણામે વડીલોએ તેની શોધખોળ શરૂ કરી હતી. કહેવાય છે કે શોધખોળ દરમિયાન બાળકી શૌચાલયમાં લઈ ગયેલી નાની બાલદી આરોપીના ઘર બહાર પડી હોવાનું પરિવારજનોને ધ્યાનમાં આવ્યું હતું.
આરોપીના ઘરને બહારથી તાળું લાગેલું હતું. શંકાને આધારે તાળું તોડવામાં આવ્યું હતું. ઘરમાં ગૂણીમાં બાંધેલો બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. આ કેસમાં ફરાર આરોપી તેના વતન બિહારના મધુબની જવાની તૈયારીમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ આવા જ પ્રકારના કેસમાં 2023માં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ભિવંડીમાં જ છ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. એ કેસમાં ધરપકડ પછી આરોપીને થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. કેસની સુનાવણી વખતે કોર્ટમાં લવાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ આરોપીની શોધમાં હતી. (પીટીઆઈ)