લોજિસ્ટિક સેન્ટરમાંથી લોખંડના સળિયા ચોરવાનો પ્રયાસ: નવ વિરુદ્ધ ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમા લોજિસ્ટિક સેન્ટરમાંથી લાખો રૂપિયાની કિંમતના લોખંડના સળિયા ચોરવાનો પ્રયાસ કરવા બદલ ટ્રક ડ્રાઇવર સહિત નવ સામે ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડીમાં રાજનોલી નાકા ખાતે લોજિસ્ટિક સેન્ટર નજીક 6 નવેમ્બરે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
ત્યારે ટ્રકમાંથી લોખંડના સળિયા અન્ય વાહનમાં ખસેડી રહેલા અમુક શખસો પર તેમની નજર પડી હતી. આથી પોલીસ ટીમ ટ્રક પાસે પહોંચી ત્યારે શખસો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું. ટ્રક ડ્રાઇવરો ડિલિવરી માટે લવાયેલા લોખંડના સળિયા અન્ય શખસોને આપી રહ્યા હતા, જેઓ ચોરીમાં સંડોવાયેલા હતા.
કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રકોમાંથી લાખો રૂપિયાના સળિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને ટ્રક પણ તાબામાં લેવાઇ હતી. આ પ્રકરણે ચાર ડ્રાઇવર સહિત નવ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)



