ભિવંડીમાં ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી પાંચ દિવસથી ગુમ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ભિવંડીમાં ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી પાંચ દિવસથી ગુમ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ભિવંડીમાં ભાડાના ઘરમાં રહેતી 28 વર્ષની ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી છેલ્લા પાંચ દિવસથી ગુમ છે. ગૃહિણીના પતિએ આ પ્રકરણે નારપોલી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસ પણ બંનેની શોધ ચલાવી રહી છે.

નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય કડબાનેએ જણાવ્યું હતું કે મહિલા અને તેની પુત્રીનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી અને બંને જણ સીસીટીવી કેમેરામાં પણ નજરે પડી નથી. મહિલાનો મોબાઇલ પણ બંધ છે. અમારી ટીમ તેમને શોધી રહી છે.

આ પણ વાંચો: ભિવંડીમાંથી એક જ દિવસમાં પાંચ છોકરા ગુમ…

ભિવંડીમાં કાલ્હેર ખાતેના જય માતાદી કોમ્પ્લેક્સમાં પેટોનિયા બિલ્ડિંગમાં રહેતો અને થાણેના ઉપવન ખાતે વર્કશોપ ધરાવતો ઋષી રાજકુમાર વિશ્ર્વકર્મા (33) 31 ઑગસ્ટે સવારના 11.30 વાગ્યે કામે જવા માટે નીકળ્યો ત્યારે તેણે પત્ની પ્રિયા (28)ને કહ્યું હતું કે તું જમવાનું સમયસર બનાવતી નથી, જેને કારણે મને કામ જતા મોડું થાય છે. પતિની આ વાત પ્રિયાને લાગી આવી હતી. ઋષી કામે ગયા બાદ તેણે પ્રિયાને કૉલ કરીને વાતચીત કરી હતી. થોડા સમય બાદ ઋષીએ ફરી પ્રિયાને કૉલ કર્યો હતો, પણ તેનો કૉલ લાગ્યો નહોતો.

દરમિયાન વારંવાર કૉલ કરવા છતાં પ્રિયાનો મોબાઇલ નોટરિચેબલ આવતો હોવાથી ઋષી ત્વરિત ઘરે પહોંચ્યો હતો. તેણે પડોશીઓને પ્રિયા વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે ફૂલો તળાવમાં પધરાવવા જઇ રહ્યાનું કહીંને પ્રિયા પુત્રી શાનવી (3)ને લઇ ઘરેથી નીકળી હતી. શાનવીને ગાર્ડનમાં ફરાવવા લઇ રહી હોવાનું પણ પ્રિયાએ કહ્યું હતું.

આ પણ વાંચો: ભિવંડીમાં નાળામાંથી મહિલાનું માથું મળ્યું: હત્યાનો ગુનો દાખલ

ઋષીએ ઘરમાં થોડા સમય બંનેની રાહ જોયા છતાં તેઓ પાછી ન ફરતાં તેણે પુર્ણા, કાલ્હેર, કશેળી ખાતે તેમની શોધ ચલાવી હતી, પણ કોઇ જ પત્તો ન લાગતાં ઋષી તેના મિત્રને લઇ નારપોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બંનેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

ઋષી વિશ્ર્વકર્માએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મારી પત્ની અને માસૂમ પુત્રી છેલ્લા પાંચ દિવસથી ગુમ છે અને હું તેમની સતત શોધ ચલાવી રહ્યો છું. મને બંનેની ખૂબ જ ચિંતા થઇ રહી છે. મેં સગાંવહાલાં, મિત્રો અને પરિચિતોને કૉલ કરી બંને વિશે પૂછ્યું હતું, પણ કોઇ જ માહિતી મળી નહોતી. પોલીસ પણ બંને જણની શોધ ચલાવી રહી છે અને તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસ્યા હતા. ઋષી વિશ્ર્વકર્માની પત્ની પ્રિયા અને પુત્રી શાનવી વિશે કોઇ પણ માહિતી મળે તો 7738586946 પર સંપર્ક કરવો.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button