લૂંટને ઇરાદે સહકર્મચારીની હત્યા કરનારો જમ્મુ-કાશ્મીરમાં પકડાયો…

થાણે: ભિવંડીમાં વેતનની રકમ લૂંટવાને ઇરાદે હથોડો ફટકારી સહકર્મચારીની કથિત હત્યા કરીને ફરાર થઈ ગયેલા યુવકને પોલીસે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતેથી પકડી પાડ્યો હતો.
Also read : થાણેમાં બબાલઃ પાલિકાના ‘અતિક્રમણ વિભાગ’ને કાર્યવાહી કર્યા વિના પાછું ફરવું પડ્યું, જાણો કારણ?
નિઝામપુરા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિશ્ર્વાસ ડગલેએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સાબીર રહેમતુલ્લા અન્સારી (21) તરીકે થઈ હતી. બિહારના પૂર્વ ચંપારણનો વતની અન્સારી અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતો નીરજ કુમાર ગોપીનાથ વિશ્ર્વકર્મા (40) ભિવંડી શહેરના ખોની ગ્રામ પંચાયત પરિસરમાં આવેલી પાવરલૂમ ફૅક્ટરીમાં કામ કરતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર ચોરીથી ફેબ્રુઆરીએ આરોપીએ વિશ્ર્વકર્માનો પગાર લૂંટવાને ઇરાદે તેના પર હુમલો કર્યો હતો. વિશ્ર્વકર્માના માથા અને કપાળ પર હથોડો ફટકારવામાં આવ્યો હતો. ગંભીર ઇજાને કારણે તેને સારવાર માટે મુંબઈની કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાને જોનારા સાક્ષીએ પોલીસને આપેલી માહિતીને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીને ટ્રેસ કરવામાં આવતાં તે દિલ્હી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. પોલીસની ટીમ દિલ્હી પહોંચે તે પહેલાં આરોપી ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે દિલ્હીના રેલવે સ્ટેશનો પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીના મોબાઈલ ફોનને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હી રેલવે પોલીસ સાથેની તપાસમાં જણાયું હતું કે આરોપી જમ્મુ-કાશ્મીર જતી ટ્રેનમાં ચઢ્યો હતો. છેલ્લે તેનું મોબાઈલ લૉકેશન અનંતનાગ દર્શાવાયું હતું.
Also read : લાતુરમાં સામાજિક કાર્યકર્તાની હત્યાના કેસમાં 22 વર્ષે આવ્યો ચુકાદો…
જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી અનંતનાગના લાલચોક ખાતેની એક બૅકરીમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન અને 29 હજારની રોકડ જપ્ત કરી હતી. ભિવંડી લાવી આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)