ભિવંડીમાંથી એક જ દિવસમાં પાંચ છોકરા ગુમ…

થાણે: ભિવંડીમાંથી એક જ દિવસમાં સગીર વયના પાંચ છોકરા ગુમ થતાં પોલીસે અપહરણના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે બે દિવસ સઘન શોધ ચલાવ્યા છતાં પોલીસ એકેય છોકરાને શોધી શકી નથી.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પાંચેય છોકરા ભિવંડીના શાંતિ નગર પોલીસની હદમાંથી ગુમ થયા હતા. પરિણામે શાંતિ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુના નોંધવામાં આવ્યા હતા.
શાંતિ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 26 ઑગસ્ટની વહેલી સવારે ડોંગરીપાડા વિસ્તારમાં આવેલી ફદીમુલ ઈસ્લામ મદરેસામાંથી 12 અને 13 વર્ષના બે સગીર ગુમ હોવાની જાણ થઈ હતી. મદરેસામાં 20 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા, જેમાંથી બે ગુમ થયા હતા.
મદરેસાના સ્ટાફ દ્વારા મદરેસા પરિસર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી, પણ છોકરાઓની કોઈ માહિતી મળી નહોતી. આખરે એક શિક્ષકે શાંતિ નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
બીજી ઘટનામાં એ જ સાંજે ભિવંડીની જ શુક્લા ચાલમાં રહેતા 13થી 15 વર્ષના ત્રણ સગીર ગુમ થયા હતા. ઘર નજીક રમવા ગયા પછી ત્રણેય ઘરે પાછા ફર્યા નહોતા. પરિવારજનોના દાવા મુજબ ત્રણેય જણ ઘર નજીક રમતા હતા અને પછી એકાએક તે ગાયબ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પાંચેય બાળકની શોધ ચલાવાઈ રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર