ભિવંડીમાં ભાજપના યુવા મોરચાના પદાધિકારી સહિત બેની કરપીણ હત્યા…
ઑફિસમાં ઘૂસી ચારથી પાંચ હુમલાખોરે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા

થાણે: ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને તેના પિતરાઈની તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. ઑફિસમાં ઘૂસીને હુમલો કરનારા ચારથી પાંચ હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધ હાથ ધરી હતી.
ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે 11 વાગ્યાની આસપાસ બની હતી. ભાજપના થાણે જિલ્લા એકમના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ તાંગડી (42) અને તેના પિતરાઈ ભાઈ તેજસ (22)ની હત્યા કરવામાં આવી હતી.
તાંગડી તેની ખારબાવ-ચિંચોટી રોડ પરના ખર્ડી ગામમાં આવેલી ઑફિસમાં બે જણ સાથે ચર્ચા કરતો બેઠો હતો. અચાનક ચારથી પાંચ અજાણ્યા શખસ તલવાર અને ચોપર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ઑફિસમાં ઘૂસ્યા હતા. હુમલાખોરોએ પ્રફુલ્લ અને તેજસ પર શસ્ત્રોના ઘા ઝીંક્યા હતા.
લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલા બન્નેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. હુમલા બાદ આરોપી વાહનમાં ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ભિવંડી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, એમ સિનિયર ઈન્સ્પેક્ટર હર્ષવર્ધન બર્વેએ જણાવ્યું હતું.
થાણે ગ્રામીણ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓની તપાસમાં લાગી હતી. આરોપીઓની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…ભિવંડીમાં કટરના ઘા ઝીંકી સુથારની હત્યા: સગીર પકડાયો