ભાયંદરમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો આરોપી 13 વર્ષ બાદ બિહારથી ઝડપાયો…

મુંબઈ: ભાયંદરમાં ચાકુના ઘા ઝીંકીને યુવકની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ બાદ બિહારથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ બંગાલી ઉર્ફે મહાનંદ મિસ્ત્રી તરીકે થઇ હોઇ તે ગુનો આચર્યા બાદ દિલ્હી, પટના, બિહાર તેમ જ નેપાળમાં છુપાતો ફરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ભાયંદર પૂર્વમાં બી.પી. ક્રોસ રોડ નંબર-3 પરના કાશિબાઇ ઇન્ડસ્ટ્રીયલ ખાતે ગાળામાં 6 ઑગસ્ટ, 2012ના રોજ હત્યાની ઘટના બની હતી. આરોપી બંગાલી અને મૃતક વિનોદ પ્રભુ ગુપ્તા વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આરોપીના મનમાં તેના પ્રત્યે રોષ હતો.
બંને જણ ગાળા નંબર-23માં રહેતા હતા અને ઘટનાને દિવસે રહેવા અને જમવાને મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા બંગાળીએ વિનોદ ગુપ્તા પર ચાકુના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં તે ફરાર થઇ ગયો હતો. નવઘર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીની શોધ ચલાવાઇ રહી હતી. આરોપી બિહારનો વતની હોવાથી પોલીસ તેની શોધમાં ત્યાં ગઇ હતી, પણ તે મળ્યો નહોતો.
આરોપી ગુનો આચર્યા બાદ દિલ્હી, પટના, બિહાર અને નેપાળમાં ગયો હતો અને નામ બદલીને ત્યાં રહ્યો હતો. આખરે 13 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 (કાશીમીરા)ના અધિકારીઓએ તેને બિહારના નરકટીયાગંજ બસ સ્ટેન્ડ ખાતેથી પકડી પાડ્યો હતો.