ભાયંદરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મિત્રની હત્યા: યુવાન ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાને મિત્રની હત્યા કરી હોવાની ઘટના ભાયંદરમાં બની હતી. મૃતકે મદદ માટે બૂમો પાડતાં દોડી આવેલા રહેવાસીઓને હથિયારની ધાકે ડરાવી આરોપી ફરાર થઈ ગયો હતો. મૃતક અને આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભાયંદર પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની વહેલી સવારે ભાયંદરના મર્દે વિલેજ ખાતે બની હતી. મૃતકની ઓળખ અનીસ ખાન (50) તરીકે થઈ હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આવ્યો હતો.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકેસનો માસ્ટરમાઇન્ડ જીશાન અખ્તર કેનેડામાં પકડાયો
પ્રાથમિક માહિતી અનુસાર ખાન થોડા દિવસ અગાઉ જ 36 વર્ષના આરોપી મિત્રને ઘેર રહેવા આવ્યો હતો. બુધવારની વહેલી સવારે બન્ને મિત્ર વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે આરોપીએ ખાન પર હુમલો કર્યો હતો.
કહેવાય છે કે ખાને મદદ માટે બૂમો પાડતાં પડોશીઓ દોડી આવ્યા હતા. જોકે હથિયારની ધાકે પડોશીઓને ધમકાવી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી પડોશીઓ ખાનના ઘરમાં ગયા ત્યારે તેનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી.