ભાયંદરમાં દીપડાનો આતંકઃ રહેવાસી વિસ્તારમાં ઘૂસેલા દીપડાએ ચાર જણને કર્યાં ઘાયલ

મુંબઈ/થાણે: ભાયંદરના રહેણાક વિસ્તારમાં આજે સવારના દીપડો ઘૂસી આવતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ચાર વ્યક્તિને ઘાયલ કર્યા બાદ દીપડો ઇમારતની એક રૂમમાં થોડા સમય માટે છુપાઇ ગયો હતો. દીપડાને પકડવા માટે પોલીસ, ફાયરબ્રિગેડ તેમ જ વનવિભાગની ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. થોડા કલાકો સુધી પકડદાવ બાદ જવાનોએ દીપડાને વશમાં કરતાં રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાયંદર પૂર્વના તળાવ રોડ પર આવેલા ગીચ વસતિ ધરાવતા રહેણાક વિસ્તારમાં શુક્રવારે સવારના દીપડો ઘૂસી આવ્યો હતો અને તેણે અમુક લોકો પર હુમલો કર્યો હતો. દીપડો બાદમાં ‘પારિજાત’ નામની ઇમારતમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેણે અમુક રહેવાસીઓ પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. દીપડો ત્યાર બાદ હાઉસિંગ સોસાયટીની ઇમારતની એક રૂમમાં થોડા સમય માટે છુપાઇ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દીપડો સાંકડી જગ્યામાં રસ્તો શોધતો તેમ જ દાદરા પર ફરતો જોવા મળે છે. દીપડો હાઉસિંગ સોસાયટીમાં ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં રહેવાસીઓમાં ભય ફેલાયો હતો અને તેઓ પોતપોતાના ઘરમાં દોડી ગયા હતા. દીપડાએ કરેલા હુમલામાં ઘાયલ થયેલા ચાર જણને બાદમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ સ્થિર છે.
આપણ વાચો: પુણે એરપોર્ટ પર સાત મહિનાથી ફરતો દીપડો આખરે પકડાયો…
દરમિયાન બનાવની જાણ થયા બાદ નવઘર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ભાયંદર ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ થાણે વનવિભાગની તેમ જ સંજય ગાંધી નેશનલ પાર્ક (એસએનજીપી)ની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમોએ એ જ ઇમારતના પહેલા માળના એક ફ્લેટમાં દીપડાને દોર્યો હતો અને બાદમાં તેને ફ્લેટની અંદર બંધ કરી દેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સુરક્ષાની દૃષ્ટિએ આખી ઇમારત અને આસપાસના વિસ્તારના રહેવાસીઓને ઘરની અંદર જ રહેવા અને બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી હતી. વનવિભાગ અને એસએનજીપીની ટીમોએ ટ્રાન્ક્વિલાઇઝર શૉટ સાથે દીપડા પર નિશાન સાધ્યું હતું અને બાદમાં દીપડાને સફળતાથી કબજામાં લેવામાં આવ્યો હતો.
દીપડાને બાદમાં બોરીવલી વિસ્તારમાં સંજય ગાંધી નેશનલ પાર્કના લેપર્ડ રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
રેસ્ક્યુ ઑપરેશન દરમિયાન અમારી ટીમોએ જમીન પર સ્થિતિનું બારીકાઇથી ધ્યાન રાખ્યું હતું અને જો આવશ્યક હોય તો રેસ્ક્યુ સપોર્ટ પણ તૈયાર રખાયો હતો, એમ વાઇલ્ડલાઇફના માનદ વોર્ડન તથા રેસ્ક્વિંક એસોસિયેશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેર)ના પનવ શર્માએ કહ્યું હતું. (પીટીઆઇ)



