બિલ્ડરના નામે બૅન્ક મૅનેજરને છેતર્યો: 19.86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

થાણે: ક્ધસ્ટ્રક્શન કંપનીના અધિકારીના સ્વાંગમાં ભાયંદરની બૅન્કના મૅનેજરને ચૂનો ચોપડનારા ઠગ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. બે કરોડ રૂપિયાની ફિક્સ ડિપાઝિટની લાલચ બતાવી આરોપીએ આરટીજીએસ દ્વારા 19.86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ભાયંદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બીજી જાન્યુઆરીએ ઠગે બૅન્ક મૅનેજરને ફોન કર્યો હતો અને પોતાની ઓળખ વિનાયક બિલ્ડર્સના નરેશ રાજપૂત તરીકે આપી હતી. બૅન્કમાં બે કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવા માગતો હોવાનું ઠગે મૅનેજરને કહ્યું હતું. પછી એ જ બૅન્કમાંના બિલ્ડરના ખાતામાંથી આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા મદદ માગી હતી.
આ પણ વાંચો : જમીનમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 64 લાખની છેતરપિંડી: સાત જણ વિરુદ્ધ ગુનો
ઠગે બૅન્ક મૅનેજરને એક મેઈલ પણ મોકલાવ્યો હતો. મેઈલમાંનું લેટરહેડ ક્ધસ્ટ્રક્શન કંપનીનું હોવાનું દર્શાવાયું હતું. ઠગની જાળમાં ફસાયેલા મૅનેજરે 19.86 લાખ રૂપિયા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
રૂપિયા ટ્રાન્સફરની જાણ થતાં ખરો નરેશ રાજપૂત બૅન્કમાં પહોંચ્યો હતો. સંબંધિત ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરતાં આ ઠગાઈ સામે આવી હતી. ફરિયાદીએ જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેના પર ફોન કર્યો હતો, પરંતુ આરોપીએ કૉલ કટ કર્યો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું ભાયંદર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



