ભાષા વિવાદ: ભાષા વિવાદ વચ્ચે ભાજપ સાંસદ દુબેની ટિપ્પણી પર રાઉતે ફડણવીસ અને શિંદેની ટીકા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના નાયબ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા, રાજ્યમાં ભાષાના મુદ્દા પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી પર તેમના મૌન અંગે સવાલ ઉઠાવ્યા હતા.
પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે જો શિવસેનાના વડા શિંદે અને તેમના સમર્થકો દુબે સાથે જોડાણ ચાલુ રાખતા રહે તો તેમણે સ્વર્ગસ્થ બાળ ઠાકરેના ફોટા તેમના કાર્યાલયોમાંથી દૂર કરવા જોઈએ.
મરાઠી ન બોલવા બદલ મનસે કાર્યકરો દ્વારા એક દુકાનદારને માર મારવામાં આવતા ફેલાયેલા રોષ વચ્ચે, દુબેએ પાર્ટીના વડા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેને લક્ષ્ય બનાવતી તેમની ‘પટક પટક કે મારેંગે’ ટિપ્પણીથી વિવાદ ઉભો કર્યો છે.
સંજય રાઉતે દુબેની ટિપ્પણી બદલ ટીકા કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ ‘કમિશન લેવા અને ચોક્કસ ઉદ્યોગપતિઓ વતી કામ કરવા માટે જાણીતા મધ્યસ્થ’ છે.
‘તેમની (દુબે) કેટલીક પ્રવૃત્તિઓ મુંબઈમાં પણ થાય છે. તે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીની નકલી ડિગ્રી છે, જે તેમણે સંસદમાં સુપરત કરી હતી.’ એવો દાવો રાઉતે કર્યો હતો.
રાજ્યસભા સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાર્ટીએ હંમેશા મુંબઈમાં હિન્દી ભાષી સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે.
આપણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી
‘અમે ક્યારેય આ મુદ્દાઓનું રાજકારણ કરતા નથી. અમે હંમેશા સંવાદ અને આદર જાળવી રાખ્યો છે. જો કોઈ અમારી સાથે નથી, તો અમે તેમને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. શિવસેના (યુબીટી)એ ક્યારેય કોઈ હિન્દી ભાષી વ્યક્તિ પર હુમલો કરતી નથી અને ક્યારેય કરશે નહીં. દુબેએ તે સમજવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
‘શું તેમને (દુબે) મુંબઈની હિન્દી ભાષી વસ્તી દ્વારા તેમના માટે બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે? આ સમુદાયના વાસ્તવિક પ્રતિનિધિઓએ આગળ આવીને તેમની ટિપ્પણીઓની નિંદા કરવી જોઈએ. ત્યારે જ હું માનું છું કે તેઓ ખરેખર મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે,’ એમ તેમણે ટિપ્પણી કરી હતી.
રાઉતે રાજ્યના નેતૃત્વ પર બંદૂક તાકી હતી અને આ મુદ્દા પર મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. ‘ભાજપના એક સાંસદ મહારાષ્ટ્ર અને મરાઠી લોકો વિશે અપશબ્દો વાપરે છે, અને મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ મૌન રહે છે.
આ કેવા પ્રકારના મુખ્ય પ્રધાન છે? તમને (ફડણવીસ) છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો પણ અધિકાર નથી,’ એમ તેમણે કહ્યું હતું.
રાઉતે શાસક નેતૃત્ત્વ પાસેથી જવાબદારીની પણ માગણી કરી હતી. ‘જો એકનાથ શિંદે આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી શકતા નથી, તો તેમણે રાજીનામું આપવું જોઈએ. દુબે પર લગામ લગાવવાની જવાબદારી ફડણવીસ, શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.