ભાંડુપ પૂર્વ અને પશ્ચિમને જોડનારા બ્રિજનું કામ શરૂ થશે ઑક્ટોબરથી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં વિક્રોલી બાદ હવે ભાંડુપ પૂર્વ અને પશ્ચિમને જોડનારા રેલવે ઓવર બ્રિજનું કામ મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરવાની છે. આવતા મહિનાથી આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવવાનું છે. લગભગ ૧૨૯.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારા આ બ્રિજને કારણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે.
રેલવે ટ્રેક પરથી પસાર થનારા આ રેલવે ઓવર બ્રિજનું કામ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવવાનું છે. ભાંડુપ પશ્ચિમમાં એલબીએસ માર્ગથી ભાંડુપ પૂર્વમાં રેલવે સ્ટેશન પાસે વીર સાવરકર માર્ગને આ બ્રિજ જોડશે. અગાઉ અહીં રેલવે ક્રોસિંગ હતો જે લગભગ ૨૦૦૦ની સાલની શરૂઆતમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
ત્યારથી સ્થાનિક રહેવાસીઓ પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા સીધા લિંક રોડની માગણી કરી રહ્યા હતા. છેવટે વર્ષોની માગણી બાદ બંધ થયેલા ક્રોસિંગથી ૧૦૦ મીટર દૂર આ બ્રિજને બાંધવાની પાલિકાએ યોજના બનાવી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ બ્રિજ ભાંડુપ પશ્ચિમમાં સ્ટેશન નજીકથી શરૂ થશે અને પૂર્વમાં મેનન કોલેજ નજીક નીકળશે.
ભાંડુપ પશ્ચિમમાં પિયરનું બાંધકામ શરૂ થવાનું છે જ્યારે પૂર્વમાં હજી અતિક્રમણ, ઝાડ-ઝાંકરાને દૂર કરવા સહિત મીઠા આગરની જમીનનું સંપાદન સંબંધિત મંજૂરીઓની રાહ જોવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ પુલ કુલ ૫૩૦ મીટર લંબાઈનો હશે, જેમાં ૮૯ મીટરનો પટ્ટો સીધો રેલવે ટ્રેક પર હશે.
પૂર્વ બાજુએ ૨૩૩.૫૦ મીટર અને પશ્ર્ચિમ બાજુએ ૨૦૭.૩૦ મીટર લાંબો હશે. તેમ જ ટ્રાફિકની ત્રણ લેન રહેશે. માળખાકીય રીતે બ્રિજમાં કુલ ૧૪ સ્પાન હશે. પૂર્વ બાજુએ સાત, પશ્ચિમ બાજુએ પાંચ અને રેલવે લાઈન પર બે સ્પાન હશે. આ પ્રોજેક્ટ ૨૦૨૭ના મધ્ય ભાગ સુધીમાં પૂરો કરવાનું પાલિકાએ લક્ષ્યાંક રાખ્યું છે.
આ પણ વાંચો…એલ્ફિન્સ્ટન બ્રિજ વિસ્તારની અસરગ્રસ્ત ઇમારતોના રહેવાસીઓને રાહત, એકનાથ શિંદેની મોટી જાહેરાત