ભાંડુપ BEST અકસ્માત: બસ ડ્રાઈવરની અટકાયત, આ કારણે સર્જાયો અકસ્માત

મુંબઈ: ગઈ કાલે સોમવારે મોડી રાત્રે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (BEST) ની બસે ભાંડુપમાં એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. રાત્રે 10.05 વાગ્યે ભાંડુપ રેલ્વે સ્ટેશનની બહાર કતારમાં ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે નવ અન્ય ઘાયલ થયા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બસના 52 વર્ષીય ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ ડ્રાઇવર બાજુના બસ ડેપો તરફ જવા માટે યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે બ્રેકને બદલે ભૂલથી એક્સિલરેટર પેડલ દબાવ્યું, જેને કારણે બસ કતારમાં ઉભેલા મુસાફરો પર ચડી ગઈ હતી. ચાર મૃતકોમાં ત્રણ મહિલાઓ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માતને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યો. મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી. બેસ્ટના જણાવ્યા મુજબ, એરકન્ડિશન્ડ ઓલેક્ટ્રા બસ લીઝ પર હતી, આ બસ નાગરદાસ નગર અને ભાંડુપ સ્ટેશન વચ્ચે 606 રિંગ રોડ રૂટ પર ચાલતી હતી.
ફેરિયાના દબાણને કારણે રાહદારીઓને મુશ્કેલી:
ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ રેલ્વે સ્ટેશનના રોડ પાસે ફૂટપાથ પર ફેરિયાઓ દબાણ કરીને બેસે છે, જેના કારણે રાહદારીઓને ચાલવા માટે જગ્યા નથી બચતી,પરિણામે રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે.
નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કુર્લામાં બેસ્ટ બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતાં, 37 અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો…વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ…



