લાડકી બહેન માટે અફવાઓ ફેલાવનારા સાવકા ભાઈથી સાવધાન: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષો પર રાજ્યની અભૂતપૂર્વ લાડકી બહેન યોજના અંગે અફવાઓ ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે લોકોએ આવા સાવકા ભાઈઓથી સાવધાન રહેવાની આવશ્યકતા છે.
થાણેમાં પોતાના ગૃહ જિલ્લામાં શિંદેએ કહ્યું હતું કે સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કામ કરતી નથી, સરકાર લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કામ કરે છે. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર મહિનામાં થવાની શક્યતાઓ રહેલી છે. ચૂંટણીના મહિનાઓ પહેલાં તેમની સરકારે મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ યોજના લાગુ કરી છે, જેમાં મહિલાઓને દર મહિને રૂ. 1500ની આર્થિક સહાય કરવામાં આવશે.
નાગરિકો અને ખાસ કરીને રાજ્યની મહિલાઓએ આવા સાવકા ભાઈઓથી સાવચેત રહેવાની આવશ્યકતા છે, જેઓ લાડકી બહીણ યોજના માટે અનેક પ્રકારના જુઠાણાં ફેલાવી રહ્યા છે.
આ પણ વાંચો: રક્ષા બંધનના દિવસથી રાજ્યમાં ‘લાડકી બહેન’ યોજનાના શ્રી ગણેશ
અત્યાર સુધી મારી ફક્ત એક જ બેહન હતી, પરંતુ હવે આખા રાજ્યમાં મારી લાખો બહેનો છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ યેઉર ખાતે આયોજિત વૈશ્ર્વિક આદિવાસી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે અમે ચૂંટણી મગજમાં રાખીને કામ કરતા નથી. અમારું લક્ષ્ય ફક્ત રાજ્યના નાગરિકોને લાભ આપવાનું છે અને અમે તેને માટે સમર્પિત છીએ.
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 45,000 કરોડની જોગવાઈ લાડકી બહેન યોજના માટે કરી છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. તેમણે ભારપુર્વક કહ્યું હતું કે પહેલા બે મહિનાના હપ્તા લાભાર્થી પાત્ર મહિલાઓના ખાતામાં 17 ઑગસ્ટે જમા કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના કાયમ ચાલુ રહેશે: મુખ્યપ્રધાન એકનાથ શિંદે
આદિવાસી લોકોને મહેનતુ અને પ્રામાણિક ગણાવતાં તેમમે કહ્યું હતું કે સરકારે કેટલીક યોજનાઓ અને કાર્યક્રમો તેમના કલ્યાણ માટે ઘડી કાઢ્યાં છે અને સરકાર સુનિશ્ર્ચિત કરશે કે આ બધી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે. અમારો હેતુ છે કે રાજ્યના બધા જ નાગરિકો તેમના વિકાસ અને પ્રગતિ માટે મુખ્ય ધારાનો ભાગ બને.
રાષ્ટ્રનિર્માણમાં પોતાનું બલિદાન આપનારા આદિવાસી સમાજના લોકોને તેમણે બિરદાવ્યા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આશ્રમશાળાના વિકાસ માટે ભંડોળ ફાળવવામાં આવશે, આશ્રમશાળાઓ અત્યંત સારી રીતે ઉપયોગમાં લેવાય તેનું ધ્યાન રાખાવમાં આવશે. રાજ્યની વિવિધ આશ્રમશાળાઓની જાત તપાસ કરશે એવી પણ ખાતરી તેમણે આપી હતી. (પીટીઆઈ)