ન્યૂ યર સેલિબ્રેશન: 31 ડિસેમ્બરની રાતના BEST દોડાવશે ખાસ બસ, જાણો રૂટ અને સમય

મુંબઈઃ 2025ની સાલની વિદાયને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે નવા વર્ષનું સ્વાગત કરવા માટે વહીવટીતંત્ર પ્રવાસીઓની સુવિધા માટે અનેક પગલાં લઇ રહ્યું છે. મુંબઈ લોકલ ટ્રેનો પછી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ટરપ્રાઇઝ (BEST) પણ 31 ડિસેમ્બરની રાત્રે પ્રવાસીઓ માટે ખાસ બસો દોડાવશે. 31 ડિસેમ્બરની રાત્રે મુંબઈવાસીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે આ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
કયા રૂટ પર દોડશે આ ખાસ બસ સેવા?
31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષને વધાવવા માટે ગેટવે ઓફ ઈન્ડિયા, જુહુ ચોપાટી, ગોરાઈ ખાડી અને માર્વે ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આને ધ્યાનમાં રાખીને આ સ્થળોએ ખાસ બસ સેવાઓ ચલાવવામાં આવશે. બેસ્ટ રેગ્યુલર રૂટ C-86, 203 અને 231 તેમ જ AC રૂટ A-21, A-112, A-116, A-247, A-272 અને A-294 પર વધારાની બસો દોડાવશે. આ ખાસ બસો 31 ડિસેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી દોડશે, જેથી મુસાફરો નવા વર્ષની ઉજવણી કર્યા પછી સુરક્ષિત અને આરામથી ઘરે પરત ફરી શકશે.
બેસ્ટની લોકપ્રિય હેરિટેજ ટૂર બસ સેવા 31 ડિસેમ્બરના રોજ પણ ચાલુ રહેશે. બેસ્ટના જણાવ્યા અનુસાર, આ સેવા 31 ડિસેમ્બરના સાંજે 5:30 વાગ્યે શરૂ થશે અને ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026 ની સવાર સુધી ચાલશે. તહેવારો દરમિયાન, ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જામ થાય છે. આ સમય દરમિયાન જાહેર પરિવહનનો ઉપયોગ કરવાથી આ ભીડ ઘટાડવામાં મદદ મળશે. તેથી, મુસાફરોને 31 ડિસેમ્બરની રાત્રે બેસ્ટની આ ખાસ સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
હેરિટેજ ટૂર બસ સેવામાં ડબલ-ડેકર અને એસી બસોનો સમાવેશ થાય છે અને તે દક્ષિણ મુંબઈના ઐતિહાસિક સ્થળોને આવરી લે છે. બેસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય ઉપનગરીય વિસ્તારો વચ્ચે જોડાણ સુધારવા, ભીડ ઘટાડવા અને મુખ્ય રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો વચ્ચે સરળ મુસાફરીના વિકલ્પો પૂરા પાડવાનો છે.



