બેસ્ટ ખરીદશે ૨,૦૦૦ ઈલેક્ટ્રિક બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને પર્યાવરણનું જતન કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે, જેમાં ડીઝલને બદલે ઈલેક્ટ્રિકથી દોડતી બસનો સમાવેશ બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં કરવામાં આવવાનો છે. આગામી દિવસમાં મુંબઈગરાની સેવામાં વધુ ૨,૦૦૦ ઈલેક્ટ્રિક બસને રસ્તા પર દોડતી કરવાની યોજના મુંબઈ મહાનગરપાલિકાએ બનાવી છે.
ખોટમાં રહેલા બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૪-૨૫ના નાણાકીય બજેટમાં ૯૨૮.૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, તેમાંથી ૮૦૦ કરોડ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવવાના છે. આ રકમનો ઉપયોગ બેસ્ટ ઉપક્રમ દ્વારા નવી ઈલેક્ટ્રિક બસગાડીઓ ખરીદવામાં કરવામાં આવવાનો છે. તેને કારણે નાગરિકોને પ્રવાસ તો આરામદાયક રહેશે પણ સાથે જ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ થઈ રહેશે.
મુંબઈ શહેર માટે બેસ્ટ ઉપક્રમ ૨,૦૦૦ ઈલેક્ટ્રિક બસ ગાડીઓ ખરીદવાની છે, તેની પાછળ કુલ ૨,૫૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. તે માટે વર્લ્ડ બૅંક દ્વારા તેની માટે ૭૦ ટકા ખર્ચ કરવામાં આવવાનો છે. એટલે કે વર્લ્ડ બેંક આ બસ ખરીદવા માટે ૧,૮૦૧ કરોડ રૂપિયા આપવાની છે. ૨૫ ટકા એટલે કે ૬૪૩.૩૫ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકાર બેસ્ટને આપશે. તો પાંચ ટકા એટલે કે ૧૨૮.૬૫ કરોડ રૂપિયા મુંબઈ મહાનગરપાલિકા બેસ્ટ ઉપક્રમને આપશે.
બજેટમાં કુલ ૯૨૮.૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ બેસ્ટ માટે કરી છે, જેમાં ૧૨૮.૬૫ નવી ઈલેક્ટ્રિક બસ માટે તો બાકીના ૮૦૦ કરોડ રૂપિયામાંથી બેસ્ટ ઉપક્રમ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકશે. પોતાની લોનના હપ્તા ભરી શકશે. તેમ જ વેટ લીઝ પર નવી બસ લઈ શકે. એ સિવાય કર્મચારીઓનો પગાર, દરરોજના ખર્ચા, દિવાળી બોનસ, કર્મચારીઓની ગ્રેચ્યુટી, પેન્શન, ઈલેક્ટ્રિસિટી સહિતના ખર્ચા કરી શકશે.
નોંધનીય છે કે બેસ્ટની બસો લોકલ ટ્રેન બાદ મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાય છે. બેસ્ટની બસમાં એક સમયે ૫,૦૦૦ બસમાં ૪૫ લાખ લોકો પ્રતિદિન પ્રવાસ કરતા હતા. કાળક્રમે બસની સાથે જ પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી ગઈ છે. હાલ બેસ્ટ ઉપક્રમના કાફલામાં ૨,૯૪૧ બસ છે, તેમાંથી ૧,૧૬૪ પોતાની માલિકીની તો ૧,૭૭૭ ભાડા પર લીધેલી છે.