માતાજીના ભક્તોને રાહત: નવરાત્રીમાં મહાલક્ષ્મી યાત્રા માટે બેસ્ટ દોડાવશે વધારાની બસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહૃનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે.
બેસ્ટ ઉપક્રમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ૨૨ સપ્ટેમ્બર, સોમવારથી પહેલી ઑક્ટોબર દરમ્યાન દરરોજ વધારાની ૨૫ બસ દોડાવવામાં આવશે. વધારાની બસને કારણે વાર્ષિક મહાલક્ષ્મી યાત્રા અને નવરાત્રીની ઉજવણી માટે ઘરની બહાર નીકળનારા ભક્તોને રાહત મળશે.
દર વર્ષે નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો મહાલક્ષ્મી મંદિરમાં યોજાતી યાત્રામાં ભાગ લેતા હોય છે. ભક્તોની ઊમટતી ભીડને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમ દ્વારા ઉપનગરીય વિસ્તારો તથા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ખાસ મહાલક્ષ્મી મંદિર સુધી બસ દોડાવવામાં આવવાની છે. એ સિવાય હાલ જે રૂટ પરથી મહાલક્ષ્મી મંદિર માટે બસ દોડાવવામાં આવે છે, તે રૂટ પર પણ વધારાની બસ દોડાવવામાં આવી રહી છે.
પ્રવાસીઓ માટે પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાન (શિવડી)થી મહાલક્ષ્મી મંદિર જવા માટે ભીડના સમયે લાલબાગ, ચિંચપોકલી, સાતરસ્તા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન માર્ગે નવરાત્રીના નવ દિવસના સમયગાળામાં વિશેષ બસ સેવા પણ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવવાની છે.
બેસ્ટ દ્વારા એવા રૂટની માહિતી આપવામાં આવી છે, જે નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે વધારાની ૨૫ બસ દોડાવાની છે.
રૂટ નંબર ગંતવ્યસ્થાન
એ-૩૭ જે. મહેતા માર્ગથી કુર્લા સ્ટેશન (પશ્ર્ચિમ)
૫૭ વાલકેશ્ર્વરથી પ્રબોધન ઠાકરે ઉદ્યાન (શિવડી)
એ-૬૩ ભાયખલા સ્ટેશન પશ્ર્ચિમથી બ્રીચકેન્ડી હૉસ્પિટલ
એ-૭૭ ભાયખલા સ્ટેશન પશ્ર્ચિમથી બ્રીચકેન્ડી હૉસ્પિટલ
એ-૭૭ વધારાની સંત ગાડગે મહારાજ ચોક (સાત રસ્તા)થી બ્રીચકેન્ડી હૉસ્પિટલ
૮૩ કોલાબા ડેપોથી સાંતાક્રુઝ ડેપો
૧૫૧ વડાલાથી બ્રીચકેન્ડી હૉસ્પિટલ
એ-૧૩૨ મુંબઈ સેન્ટ્રલ ડેપોથી ઈલેક્ટ્રિક હાઉસ
એ-૩૫૭ મુંબઈ સેન્ટ્રલ ડેપોથી શિવાજી નગર ડેપો
સ્પેશિયલ પ્રબોધન ઠાકરે ઉદ્યાન (શિવડી)થી મહાલક્ષ્મી મંદિર