ચાર દિવસે બેસ્ટની બસો સીએસએમટી ફરી શરૂ થઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ચાર દિવસે બેસ્ટની બસો સીએસએમટી ફરી શરૂ થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા અનામત માટે આઝાદ મેદાનમાં આંદોલન કરનારાઓના કારણે છેલ્લા ચાર દિવસથી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી બંધ રહેલી બસો મંગળવાર સાંજથી ફરી શરૂ થતા મુંબઈગરાઓને રાહત થઈ હતી.

મરાઠા આંદોલનકારીઓએ છેલ્લાં ચાર દિવસથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરિસરના મહત્ત્વના જંકશન, ફોર્ટ, કોલાબા સહિતના વિસ્તારમાં ડેરો જમાવી દીધો હતો.

આપણ વાંચો: બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે

રસ્તાઓ પર આંદોલનકારીઓએ પોતાના વાહનો પાર્ક કરવાની સાથે જ ત્યાં તેઓએ અંડિગો જમાવ્યો હોવાને કારણે બેસ્ટ દ્વારા સીએસએમટીથી દોડનારી તમામ બસો બંધ કરી નાખી હતી, તેને કારણે દક્ષિણ મુંબઈમાં મહત્ત્વના વિસ્તાર ગણાતા નરિમન પોઈન્ટ, બૅક બે અને કોલાબા તરફ આવેલી ઓફિસે જનારા લોકોને પગપાળા જવાની નોબત આવી હતી.

મંગળવાર બપોરથી જોકે આંદોલનકારીઓએ ધીમે ધીમે જગ્યા ખાલી કરવાનું ચાલુ કરતા બેસ્ટ પ્રશાસન દ્વારા અમુક રૂટ પર બસ ફરી શરૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ૧૩૮ અને ૧૧૫ નંબરનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ગણેશભક્તો માટે વધારાની બેસ્ટની બસો અને મેટ્રો દોડાવાશે

બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા ડીએન રોડ, મહાપાલિકા માર્ગ, હઝારીમલ સોમાણી માર્ગને બંધ કરવામાં આવ્યો હતો, તેથી બસને મહાત્મા ફુલે માર્કેટ, એલટી માર્ગ અને મેટ્રો જંકશનથી હુતાત્મા ચોક તરફ ડાઈવર્ટ કરવામાં આવી હતી.

મંગળવાર સવાર સુધીમાં ૨૪થી વધુ બસ રૂટને ડાઈવર્ટ કરવાની સાથે જ સસ્પેન્ડ કરવામાં આવી હતી. મંગળવારે આંદોલનકારીઓ દ્વારા વાહનો રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. છતાં સવારના ટ્રાફિક પોીલસે જેજે ફ્લાયઓવર અને ડીએન રોડ પર બંને લેન ખોલી મૂકી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button