Best Accidents: છેલ્લાં પાંચ વર્ષના બસ અકસ્માતમાં કેટલા લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો?
મુંબઈઃ મુંબઈ સબર્બનમાં જાહેર પરિવહન માટેની લાઈફલાઈન લોકલ ટ્રેન પછી બેસ્ટની બસનો નંબર આવે છે, પરંતુ બેસ્ટની બસ (The Brihanmumbai Electric Supply And Transport)ના વધતા અકસ્માતોના આંકડો ચોંકાવનારો જાણવા મળ્યો છે. જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટને મળેલા આઈરટીઆઈના જવાબમાં મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષમાં 800થી વધુ અકસ્માત નોંધાયા છે, જેમાં 88 લોકોને મોતને ભેટ્યાં હતા.
છેલ્લા પાંચ વર્ષમાં 800થી વધુ અકસ્માત
બેસ્ટ પ્રશાસને આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીને આપેલી માહિતી મુજબ છેલ્લા 5 વર્ષમાં બેસ્ટની બસના ૮૩૪ અકસ્માત નોંધાયા છે અને ૮૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આપણ વાંચો: શહેરોમાં ‘રોડ અકસ્માતો’માં થઈ રહેલા વધારા માટે કારણો શું, જાણો ચોંકાવનારા તારણો?
આ અકસ્માતોમાં મૃતક અને ઘાયલ નાગરિકોને ૪૨.૪૦ કરોડનું આર્થિક વળતર આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે આ સંબંધે ૧૪ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને ૨૪ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં બેસ્ટ અને ખાનગી કોન્ટ્રાક્ટરનો સમાવેશ
આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ બેસ્ટ પ્રશાસનને છેલ્લા પાંચ વર્ષમાં થયેલા અકસ્માતો, જાનહાનિ અને નાણાકીય વળતર વિશે પૂછ્યું હતું. બેસ્ટના સિનિયર ટ્રાન્સપોર્ટ ઓફિસર એગલ બેન્જામિને તેની વિગતવાર માહિતી આપી હતી. છેલ્લા ૫ વર્ષમાં ૮૩૪ બેસ્ટ બસ અકસ્માતો થયા છે જેમાં બેસ્ટ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સામેલ છે.
બેસ્ટમાં ૩૫૨ અકસ્માતો છે જેમાં ૫૧ મૃત્યુ થયા છે. જ્યારે ખાનગી કોન્ટ્રાક્ટરોના ૪૮૨ અકસ્માતમાં ૩૭ લોકોના મોત થયા છે. વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪ દરેકમાં સૌથી વધુ ૨૧ મૃત્યુ નોંધાયા હતા.
આપણ વાંચો: હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત
પીડિતોને પાંચ વર્ષમાં 42 કરોડ રુપિયાનું ચૂકવ્યું વળતર
છેલ્લા પાંચ વર્ષમાં મૃતકો અને ઘાયલોને ૪૨.૪૦ કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવ્યું હતું અને ૪૯૪ કેસ હતા. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦૭ કેસમાં સૌથી વધુ વળતરની રકમ ૧૨.૪૦ કરોડ હતી. વર્ષ ૨૦૧૯-૨૦માં ૯.૫૫ કરોડ, વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૪૪ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૯.૪૫ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭.૫૪ કરોડ વળતર આપવામાં આવ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં જીવલેણ અકસ્માતોમાં કર્મચારીઓની બરતરફીની સંખ્યા ૧૨ છે અને ૨ કર્મચારીને વ્યક્તિગત ઈજાના કેસોમાં બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અંગત ઈજાના કેસમાં ૨૪ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્યના ટ્રાન્સપોર્ટ સેક્ટરને સુરક્ષિત, સુંદર અને ટકાઉ રાખવા માટે આગામી ૩ વર્ષમાં નવી ઈવી પોલિસીની જાહેરાત કરવા ઉપરાંત ૧૫ વર્ષ જૂના વાહનોને ભંગારમાં નાખવા, માર્ગ અકસ્માતો પર નજર રાખવા માટે એઆઈનો ઉપયોગ જેવા પગલાં લેવાની જરૂર છે. આ અંગે ગૂગલ સાથે કરાર હોવાથી તેનો ઉપયોગ કરવો જોઈએ, એમ પ્રશાસને જણાવ્યું હતું.