આમચી મુંબઈ

મહારાષ્ટ્ર એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કાર્યવાહી…

:બેંગલુરુમાં મેફેડ્રોનની ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ:પંચાવન કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ)ની ટીમે બેંગલુરુમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને પંચાવન કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરીને ચાર જણની ધરપકડ કરી હતી. બે મુખ્ય આરોપી હજી ફરાર હોવાથી તેમની શોધ ચલાવવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એએનટીએફના કોંકણ યુનિટે 21 ડિસેમ્બર, 2025ના રોજ નવી મુંબઈના વાશી ગાંવમાં બસ ડેપો નજીકથી અબ્દુલ કાદર રશિદ શેખને 1.48 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ બાદ બેલગામમાં રહેનારા અને ડ્રગ્સ બનાવનારા પ્રશાંત પાટીલનું નામ સામે આવ્યું હતું. પ્રશાંત પાટીલને તાબામાં લઇને પૂછપરછ કરવામાં આવતાં બેંગલુરુમાં ડ્રગ્સ બનાવતી ત્રણ ફેક્ટરી વિશે જાણવા મળ્યું હતું.

આ માહિતી બાદ પોલીસની ટીમને બેંગલુરુ રવાના કરવામાં આવી હતી. આ ટીમે તપાસ કર્યા બાદ રાજસ્થાનના રહેવાસી અને બેંગલુરુમાં ડ્રગ્સ સપ્લાય કરનારા સૂરજ રમેશ યાદવ અને માલખાન રામલાલ બિશ્ર્નોઇને તાબામાં લીધા હતા. ગુનાની કબૂલાત કરનારા બંને જણે પોલીસને બેંગલુરુમાં સ્પંદના લેઆઉટ કોલોની, એનજી ગોલાહળી વિસ્તારમાં આર. જે. ઇવેન્ટ નામની ફેક્ટરી તેમ જ યેરપનાહળી ક્ધનૂર ખાતે એક ઘરમાં ધમધમકી ડ્રગ્સની ફેક્ટરી વિશે માહિતી આપી હતી. પોલીસની ટીમે બાદમાં ત્રણેય ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.

ત્રણેય ફેક્ટરીમાંથી 4.10 કિલોગ્રામ મેફેડ્રોન, 17 કિલોગ્રામ લિક્વિટ મેફેડ્રોન અને ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આ ફેક્ટરીઓમાં તૈયાર થતું ડ્રગ્સ વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવતું હતું અને ડ્રગ્સ વેચીને મળેલા રૂપિયાથી આરોપીઓએ બેંગલુરુમાં મિલકતો ખરીદી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button