બેલાસિસ ફ્લાયઓવર ડેડલાઈન કરતા ચાર મહિના પહેલા ખુલ્લો મૂકાશે | મુંબઈ સમાચાર

બેલાસિસ ફ્લાયઓવર ડેડલાઈન કરતા ચાર મહિના પહેલા ખુલ્લો મૂકાશે

તાડદેવ-નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલને જોડનારો બ્રિજ હવે ક્રિસમસના ખુલ્લો મૂકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાડદેવ-નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારો બેલાસિસ બ્રિજની નક્કી કરેલી ડેડલાઈન કરતા વહેલા કામ પૂરું કરીને ખુલ્લો મૂકવામાં આવે એવી શકયતા છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ફ્લાયઓવરના બાંધકામ માટેની ડેડલાઈન એપ્રિલ ૨૦૨૬ની રાખી હતી પણ હવે તેનું કામ પચીસમી ડિસેમ્બર સુધીમાં પૂરું કરીને તેની વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.

બેલાસિસ ફ્લાયઓવરના પુન:બાંધકામનું કામ પશ્ર્ચિમ રેલવે અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે, જેમાં બ્રિજનું રેલવે હદમાં આવતું કામ પશ્ર્ચિમ રેલવે અને ફ્લાયઓવરના અપ્રોચ રોડનું કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પહેલા તબક્કામાં રેલવે કૉન્ટ્રેક્ટરે ૩૬ મીટર સ્પાનના કુલ ૧૨ ગર્ડર બેસાડવાના કામ થોડા સમય પહેલા જ પૂરા કર્યા છે. હવે રેલવે ઓથોરિટી ગર્ડર બ્રેસિંગ (મજબુતીકરણ), ફ્લાયઓવર ઉપરનો ભાગ (ડેક શીટ), સ્લેબ કાસ્ટિંગ જેવા કામ કરી રહી છે. આ કામ માટે ટ્રાફિક અને વીજ પુરવઠો આ બંને માટે ૪૦ કલાકનો બ્લોક લેવામાં આવવાનો છે.

બ્રિટીશકાળનો ૧૩૦ વર્ષ જૂનો બેલાસિસ બ્રિજને તોડી પાડીને તેને નવેસરથી બાંધવામાં આવી રહ્યો છે. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન નજીક રેલવે પાટા પર કેબલ આધારિત પૂલ ઊભો કરવા માટે પાલિકા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ મહારાષ્ટ્ર રેલવે ઈન્ફ્રા ડેવલપમેન્ટ (મહારેલ) સાથે કરાર કર્યો છે. બેલાસિસ બ્રિજના બાંધકામની ડેડલાઈન એપ્રિલ ૨૦૨૬ છે પણ બ્રિજનું બાંધકામ તેની નક્કી કરેલી ડેડલાઈન પહેલા જ પૂરું કરીને ડિસેમ્બર, ૨૦૨૫માં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું.

બ્રિજના બાંધકામ માટે સોઈલ ઈન્સ્પેકશન, પાયાનું બાંધકામ અને થાંબલાનું બાંધકામ પૂરું થયું છે. બાંધકામને અડચણરૂપ રહેલા બાંધકામ પણ હટાવી દેવામાં આવ્યા છે. પૂર્વ બાજુએ એપ્રોચ રોડ માટે પાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે હદમાં પશ્ર્ચિમ રેલવે કામ કરી રહી છે, જેમાં રેલવે કૉન્ટ્રેક્ટરે ૩૬ મીટર સ્પાનના કુલ ૧૨ ગર્ડર બેસાડી દીધા છે. તેને અસેમ્બલ એટલે કે જોડવાનું કામ ૧૦ ઑગસ્ટ, ૨૦૨૫ના પૂરું થયું છે. હવે પશ્ર્ચિમ દિશામાં અપ્રોચ રોડમાં એક થાંભલાનું કામ બાકી છે તે ચાલુ કરવામાં આવવાનું છે. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ગર્ડરને મજબૂત કરવાનું અને ડેક શીટ જેવા કામ પૂરા કરવામાં આવશે ત્યારબાદ બંને અપ્રોચ રોડનું કામ હાથમાં લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂલના તમામ કામ પૂરા કરી નાખવામાં આવશે.

આ પણ વાંચો…થાણેનો કાસારવડવલી ફ્લાયઓવર નો આંશિક ભાગ ખુલ્લો મુકાયો…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button