ચોમાસા પહેલા મલેરિયા અને ડેન્ગ્યૂૂને નિયંત્રણમાં લાવવા પાલિકા કામે લાગી
હાઉસિંગ સોસાયટીઓને પરિસર સ્વચ્છ રાખવાની સૂચના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી પાણીજન્ય બીમારીઓ માથુ ઊંચકે નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની સાથે જ પેસ્ટ કંટ્રોલ વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવાની છે, જે હેઠળ જુદી જુદી સંસ્થાના પરિસરમાં રહેલી પાણીની ટાંકીઓને મચ્છર મુક્ત કરવાની કાર્યવાહી ૧૫ મે, ૨૦૨૪ સુધી પૂરી કરવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ આપ્યો છે. એ સાથે જ મુંબઈની હાઉસિંગ સોસાયટીઓને તેમના પરિસરને મચ્છરમુક્ત રાખવા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
કમિશનરે મંગળવાર ૧૬, એપ્રિલના ચોમાસા પહેલા જુદી જુદી યંત્રણા સાથે એક બેઠક યોજી હતી, જેના એક ભાગ રૂપે જુદી જુદી સરકારી, બિનસરકારી, યંત્રણાનો સમાવેશ રહેલી મચ્છર નિર્મૂલન સમિતિની એક બેઠક યોજી હતી, જેમાં તેમણે વોર્ડ સ્તરે જુદી જુદી યંત્રણાને પાલિકા સાથે સંયુક્ત રીતે મચ્છર ઉત્પત્તીના સ્થળો શોધવાની ઝુંબેશ હાથ ધરવાની સૂચના આપી છે. આ કાર્યવાહીમાં નિષ્ફળ જનારા સંબંધિત સામે આકરા પગલા લેવાની ચીમકી પણ કમિશનરે આપી છે.
મુંબઈ શહેર અને પરિસરમાં અમુક વિભાગ એ ડેન્ગ્યૂ અને મલેરિયાના હોટ સ્પોટ બની છે, તેને ધ્યાનમાં રાખીને વોર્ડ સ્તરે વોટ્સએપ ગ્રૂપ તૈયાર કરીને જુદા જુદા સંબંધિત યંત્રણાઓનો સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરીને મચ્છર પ્રતિબંધક કાર્યવાહી પૂર્ણ કરવાની સૂચના મંગળવારની બેઠકમાં તેમણે આપી હતી.
આપણ વાંચો: પાલિકાએ રેલવેને નાળાની સફાઈ યોગ્ય રીતે કરવા કહ્યું
૨૦૩૦ સુધી મલેરિયા મુક્ત
પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ૩.૩ હેઠળ મલેરિયા નિર્મૂલન ઝુંબેશ ૨૦૩૦ હાથ ધરવામાં આવી છે, જે હેઠળ મુંબઈને મલેરિયા મુક્ત કરવાનું લક્ષ્યાંક છે.
મચ્છર પ્રતિબંધક કરવાની કાર્યવાહી ૭૭.૭૭ ટકા પૂરી
પાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગના અધિકારી ચેતન ચૌબળના જણાવ્યા મુજબ મચ્છરના નિર્મૂલન માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈની વિવિધ સરકારી-બિનસરકારી ૬૭ ઓથોરિટીના પરિસરમાં મળીને કુલ ૨૯,૦૧૯ પાણીની ટાંકીઓ આવેલી છે, તેમાંથી ૨૨,૫૬૮ પાણીની ટાંકીના ઠેકાણેે મચ્છર પ્રતિબંધક કાર્યવાહી કરવામાં આવી છે. તો ૬,૪૫૧ પાણીની ટાંકીઓના ઠેકાણે ઉપાયયોજના અમલમાં મૂકવાની હજી બાકી છે. ચોમાસા પહેલાના કામમાં જુદી જુદી સંસ્થાના પરિસરમાં પાણીની ટાંકીઓના મચ્છર પ્રતિબંધક કરવાની કાર્યવાહી ૭૭.૭૭ ટકા પૂરી થઈ છે. બાકીના ૨૨.૨૩ ટકા પાણીની ટાંકીઓના ઠેકાણે કામ જલદી પૂરું કરવામાં આવવાનું છે.
પેસ્ટ કંટ્રોલ વિભાગે અમલમાં મૂકેલી યોજના
પાલિકાના તમામ વોર્ડમાં મચ્છર પ્રતિબંધના અનુસંધાનમાં ચોમાસા પહેલાની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પાણીની ટાંકી મચ્છર પ્રતિબંધક સ્થિતિમાં લાવવી, નકામી વસ્તુઓનો નિકાલ કરવો, મચ્છરના ઉદ્ગમ સ્થાન કહેવાતા પાણીની ટાંકીઓ, ટાયર, પેટ્રી, પ્લેટ્સ, ફેંગશુઈ ઝાડ, મની પ્લાન્ટ વગેરે ઠેકાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાંધકામ ચાલી રહેલી સાઈટ પર પેસ્ટ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જયાં મજૂરો રહે છે ત્યાંની દીવાલ પર ઈન્ડોર રેસિડ્યૂલ સ્પ્રેઈંગ દવાનો છંટકાવ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણીની ટાંકીઓને ઢાંકીને રાખીને તેમ જ નકામી વસ્તુઓ ફેંકી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે. એ સાથે જ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોના સર્વેક્ષણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પેસ્ટ કંટ્રોલ વિભાગના અધિકારી અને કર્મચારી અને કામગાર આ સર્વેક્ષણ કરી રહ્યા છે.