ફડણવીસે કોચિંગ ક્લાસ જાતીય સતામણી કેસની તપાસ માટે એસઆઈટીની જાહેરાત કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે બીડના કોચિંગ ક્લાસમાં એક સગીર છોકરી સાથે કથિત જાતીય સતામણીના કેસની તપાસ માટે એક વરિષ્ઠ મહિલા અધિકારીના નેતૃત્ત્વમાં એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. એનસીપીના વિધાનસભ્ય ચેતન તુપેએ રાજ્ય વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઈન્ફર્ર્મેેશનના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તુપેએ કહ્યું હતું કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, આરોપીનું રક્ષણ કરનાર વ્યક્તિઓનો પર્દાફાશ કરવો જરૂરી છે. આરોપીને કોણ રક્ષણ આપી રહ્યું છે?’ એમ તેમણે પૂછ્યું હતું. તુપેના સવાલોનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.
‘એસઆઈટી નિર્ધારિત સમયમર્યાદામાં કેસની તપાસ કરશે અને દોષિતોને સજા કરવામાં આવશે,’ એમ જણાવતાં મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, એક મહિલા અધિકારી તપાસ ટીમનું નેતૃત્ત્વ કરશે. 30 જુલાઈ, 2024થી 25 મે, 2025 દરમિયાન એક કોચિંગ સેન્ટરના બે પુરુષ શિક્ષકો દ્વારા 17 વર્ષની એક વિદ્યાર્થીની સાથે છેડતી અને જાતીય સતામણી કરવામાં આવી રહી હતી તે સંબંધે બીડના શિવાજીનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
કિશોરીની ફરિયાદ મુજબ, બંને શિક્ષકો તેને કોચિંગ સેન્ટરની ઓફિસમાં બોલાવતા હતા, તેને કપડાં ઉતારવા માટે દબાણ કરતા હતા અને તેની સાથે અશ્ર્લીલ હરકતો કરતા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડેએ સોમવારે એવો આરોપ લગાવ્યો કે આ કેસમાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓમાંથી એક એનસીપી (એસપી)ના વિધાનસભ્ય સંદીપ ક્ષીરસાગર સાથે સંકળાયેલો છે. બાદમાં તેમણે આરોપોને નકારી કાઢ્યા હતા.
મંગળવારે મીડિયાને સંબોધતા, મુંડેએ કહ્યું કે તેમણે અગાઉ કેસોમાં મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો, જોકે તેઓ તેમાં સામેલ નહોતા. ‘હું 25 વર્ષથી જાહેર જીવનમાં છું અને ક્યારેય ખોટો આરોપ લગાવ્યો નથી. સત્ય યોગ્ય સમયે બહાર આવશે. લોકોએ ફક્ત રાહ જોવાની જરૂર છે,’ એમ તેમણે ઉમેર્યું હતું. આ આરોપોનો જવાબ આપતાં, બીડના એનસીપી (એસપી)ના વિધાનસભ્ય અને મુંડેના જાણીતા ટીકાકાર ક્ષીરસાગરે કહ્યું હતું કે આ મામલાની તપાસ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે.
‘ઉપમુખ્યપ્રધાન અજિત પવાર બીડના પાલક પ્રધાન હોવાથી, પીડિતાએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તમામ જરૂરી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે. તપાસમાં હકીકતો બહાર આવશે,’ એમ તેમણે કહ્યું હતું. ક્ષીરસાગરે દાવો કર્યો હતો કે જો મુંડે પાલક પ્રધાન હોત તો છોકરીની ફરિયાદ આટલી સરળતાથી નોંધાઈ ન હોત.
આપણ વાંચો : પુણેમાં કારમાં હાજર સગીરાની જાતીય સતામણી, ત્રણ મહિલાના દાગીના લૂંટ્યા…