બીડ સરપંચ હત્યા કેસ: ધનંજય મુંડેને કૅબિનેટમાંથી દૂર કરવા માટે નેતાઓ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા…

મુંબઈ: બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ર્ચિત કરવા માટે નેતાઓના એક પ્રતિનિધિમંડળે સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પ્રધાન ધનંજય મુંડેને રાજ્ય કૅબિનેટમાંથી દૂર કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સવાર સવારમાં ભૂકંપથી ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
બીજી તરફ કેબિનેટમાંથી તેમની હકાલપટ્ટી કરવાની માગણી સાથે સર્વપક્ષી વિધાનસભ્યો રાજ્યપાલને મળ્યા ત્યારે બીજી તરફ ધનંજય મુંડે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજત પવારને સોમવારે મળ્યા હતા, જોકે આ બેઠકની વિગતો જાહેર કરવામાં આવી નહોતી.
કોંગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવાર અને ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસ સહિતના નેતાઓએ રાજભવન ખાતે રાજ્યપાલને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં કાયદાના શાસન અને ન્યાય વ્યવસ્થામાં જનતાનો વિશ્ર્વાસ જળવાઈ રહે તે માટે નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી.
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું નવમી ડિસેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી.
પોલીસે હત્યા કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના નેતા ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ નેતાઓ દ્વારા મુંડેના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કરાડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે, બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે આકરાં પગલાં લેવામાં આવે અને બીડ જિલ્લામાં ખંડણી અને ગુંડારાજને ખતમ કરવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
વડેટ્ટીવારે બાદમાં પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે પ્રતિનિધિમંડળે એવી માગણી કરી હતી કે આ કેસમાં આરોપનામું ઘડવામાં આવે ત્યાં સુધી ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ કેસમાં કોઈપણ રાજકીય દબાણ વગર નિષ્પક્ષ અને યોગ્ય તપાસ થાય એવી માગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : …તો વર્સોવાથી વિરાર ફક્ત ૪૫ મિનિટમાં પહોંચાશે
તેમણે એવો દાવો કર્યો હતો કે આ કેસમાં કરાડ માસ્ટરમાઈન્ડ હતો અને તેથી તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવવો જોઈએ. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)માંથી કરાડ સાથે સંકળાયેલા અધિકારીઓને તત્કાળ હટાવવા જોઈએ. (પીટીઆઈ)