પેલેસ્ટાઇનને ‘સમર્થન’ આપવા ગેરકાયદે ચાર કરોડ રૂપિયા ભેગા કર્યા: ચાર જણ વિરુદ્ધ ગુનો

મુંબઈ: ઇઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનને સમર્થન આપવા માટે નાણાંની જરૂર હોવાનો દાવો કરીને છેતરપિંડીથી નાગરિકો પાસેથી ચાર કરોડથી વધુ રૂપિયા ભેગા કરવા બદલ બીડ જિલ્લામાં ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઑક્ટોબર, 2023થી સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાસ કરીને 71,391 પેલેસ્ટિનિયનોનાં મોત થયાં છ, જ્યારે 1,71,279 ઘાયલ થયા છે. ઑક્ટોબર, 2025માં ગાઝામાં યુદ્ધ રોકવા મમાટે યુદ્ધ વિરામ સંધિ થઇ ત્યારથી 400થી વધુ મોત નોંધાયાં છે.
આ સ્થિતિનો લાભ લેતાં બીડ જિલ્લામાં છેતરપિંડી આચરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને એન્ટિ-ટેરરિઝમ યુનિટને ટેરર ફન્ડિંગ વિશે ચોક્કસ માહિતી મળી હતી.
આથી માજલગાવના પાટરુડ ગામમાં તલાશી શરૂ કરવામાં આવી હતી. એ સમયે પેલેસ્ટાઇનને સમર્થન આપવાને નામે આરોપીઓએ ચાર કરોડથી વધુ રૂપિયા ભેગા કયા4 હોવાનું સામે આવ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ નાણાં ચેરિટી કમિશનર પાસે નોંધણીકૃત નહોતા એવા ટ્રસ્ટના બૅંક અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યાં હતાં. આ રીતે નાણાં જમા કરવાનું અનધિકૃત છે. આથી માજલગાવ ગ્રામીણ પોલીસ દ્વારા ચાર જણ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમાંથી બે જણની ધરપકડ કરાઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)



