યુવતી પર બળાત્કાર ગુજારી વીડિયો રેકોર્ડિંગકરવાના કેસમાં બ્યુટિશિયનની ધરપકડ
મુંબઈ: ઘેનયુક્ત ઠંડું પીણું પીવડાવ્યા પછી યુવતી પર કથિત બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે બ્યુટિશિયનની ધરપકડ કરી હતી, જ્યારે તેના ફરાર પતિની શોધ હાથ ધરી હતી. બ્યુટિશિયનના પતિએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને બ્યુટિશિયને એ કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યા પછી ખંડણી માગી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
માલવણી પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ આયેશા અન્સારી (36) તરીકે થઈ હતી. ઈવેન્ટ મૅનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી 22 વર્ષની યુવતીની ફરિયાદને આધારે પોલીસે બ્યુટિશિયન આયેશા અને તેના પતિ સલમાન અન્સારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી આયેશાએ રવિવારે ફોન કરી યુવતીને માલવણી સ્થિત તેના ઘરે બોલાવી હતી. આયેશાના ઘરે ગયેલી ફરિયાદીને ઠંડું પીણું આપવામાં આવ્યું હતું, જે પીધા પછી તે અર્ધબેભાન અવસ્થામાં સરી પડી હતી. બાદમાં આયેશાના પતિ સલમાને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
થોડા સમય પછી યુવતી ભાનમાં આવી ત્યારે તેને સલમાને દુષ્કર્મ કર્યાની અને આયેશાએ તેનો અશ્ર્લીલ વીડિયો બનાવ્યાની જાણ થઈ હતી. આરોપી દંપતીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસે ખંડણી માગી હતી. રૂપિયા આપવાનો યુવતીએ ઇનકાર કરતાં તેની મારપીટ કરવામાં આવી હતી.
આ પ્રકરણે યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે માલવણી પોલીસે મંગળવારે ગુનો નોંધી આયેશાની ધરપકડ કરી હતી. આયેશાનો પતિ ફરાર હોવાનું પોલીસનું કહેવું છે.