બોરીવલીમાં ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટને જમીન ટ્રાન્સફર કાયદેસર: બાવનકુળે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બોરીવલીમાં ખાનગી ટ્રસ્ટ ખાદી ગ્રામોદ્યોગ એસોસિએશન (કોરા કેન્દ્ર)ને જમીન ફાળવણીની સમગ્ર પ્રક્રિયા કાયદેસર હતી અને તેમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આ મુદ્દો શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ દ્વારા રાજ્ય વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું કે, 39 એકર અને 22 ગુંઠા જમીન મૂળ રીતે 1947થી 1953ની વચ્ચે ટ્રસ્ટને માત્ર 13,375 રૂપિયામાં ફાળવવામાં આવી હતી.

જોકે, સમય જતાં કેટલીક શરતોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને, નિયમાનુસાર જમીનને ‘ક્લાસ-2’માંથી ‘ક્લાસ-1’માં રૂપાંતરિત કરવામાં આવી હતી, અને બજાર મૂલ્યના 50 ટકા વસૂલ કરવામાં આવ્યા હતા.
બાવનકુળેએ વધુમાં એવી સ્પષ્ટતા કરી હતી કે 2019ની નીતિ હેઠળ, ‘ક્લાસ-2’માંથી ‘ક્લાસ-1’ જમીનમાં રૂપાંતર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને કોઈપણ અનિયમિતતાથી મુક્ત છે. ટ્રસ્ટે બધી જરૂરી શરતો પૂર્ણ કરી છે.
ટ્રસ્ટ આશરે 650 કરોડ રૂપિયાના સામાજિક વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે, જેમાં એક આધુનિક હોસ્પિટલ, ધ્યાન કેન્દ્ર અને સેવા-આધારિત સમુદાય સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલથી બોરીવલી વિસ્તારના વંચિત લોકોને અદ્યતન તબીબી અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો નોંધપાત્ર રીતે લાભ થવાની અપેક્ષા છે. જમીન હસ્તાંતરણ કોઈપણ ખાસ છૂટછાટ અથવા અપવાદો આપ્યા વિના, કાનૂની પ્રક્રિયાઓનું કડક પાલન કરીને હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં બોરીવલીના લોકો માટે આરોગ્ય અને આધ્યાત્મિકતાના અનોખા મિશ્રણ તરીકે ઉભો રહેશે.