ફેરિયાઓ સામે તાબડતોબ કાર્યવાહીની વેપારીઓની માગણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરના એન.સી.કેળકર રોડ સહિત મુંબઈનાં મહત્ત્વનાં સ્થળો પર ગેરકાયદે રીતે કબજો જમાવી બેસેલા ફેરિયાઓને કારણે રાહદારીઓની સાથે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેથી તેમની સામે યોગ્ય પગલાં લેવાની માગણી કરતો પત્ર દાદર વ્યાપારી સંઘ દ્વારા લેખિતમાં મુંબઈ પોલીસ કમિશનર સહિત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને લખવામાં આવ્યો છે.
Also read : Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…
મુંબઈના મોટાભાગના રસ્તાઓ સહિત ફૂટપાથ પર ગેરકાયદે રીતે ફેરિયાઓએ અંડિગો જમાવ્યો છે. હાઈ કોર્ટના આદેશ બાદ પાલિકા સતત કાર્યવાહી કરતી હોય છે, છતાં પણ ફરી પાછા ફેરિયાઓ આવી જતા હોય છે.
દાદર વ્યાપારી સંઘના અધ્યક્ષ સુનીલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મુંબઈના મહત્ત્વનાં સ્થળ જેમાં મુખ્યત્વે દાદરના એન.સી કેળકર રોડ, આર.કે.વૈદ્ય રોડની સામે વીર કોતવાલ ગાર્ડન જેવા વિસ્તારોમાં ફેરિયાઓને કારણે ટ્રાફિકને તો અસર થાય છે પણ રાહદારીઓને ચાલવાને પણ જગ્યા રહેતી નથી. ખાસ કરીને દાદરના એન.સી. કેળકર રોડ પર મહત્વના શોરૂમ આવેલા છે ત્યાંની હાલત એકદમ ખરાબ છે.
વાહનો તો ઠીક પણ રસ્તા પર ચાલવાને પણ લોકોને જગ્યા નથી એટલી હદે ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે. ફેરિયાઓને કાયદાનો કોઈ ભય રહ્યો નથી. તેથી અમે પાલિકા, પોલીસ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને સંયુક્ત રીતે ગેરકાયદે ફેરિયાઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર લખ્યો છે.
Also read : મુંબઈમાં ચાર નવા રેલવે પોલીસ સ્ટેશનોને મંજૂરી: વધતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખવાનું લક્ષ્ય
દાદર વ્યાપારી સંઘના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે દાદરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અગાઉ અમે પાલિકાના પાર્કિંગ પ્લોટમાં વેલે પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જોકે બાદમાં પ્રશાસન તરફથી વધુ મદદ નહીં મળતા વેલે પાર્કિંગ સુવિધાને બંધ કરવી પડી હતી. જો પાલિકા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ મદદ કરે અને આ બાબતે ફરી ચર્ચા કરવા તૈયાર હોય તો અમે આ યોજના ફરી ચાલુ કરવા માગીએ છીએ, જેથી કરીને ગમે ત્યાં વાહનો પાર્ક કરવામાં આવે છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તેમાંથી રાહત મળી શકે.