અંધેરીના રહેવાસીઓ માટે ન્યૂઝઃ બરફીવાલા ફ્લાયઓવર આ તારીખથી ખુલ્લો મૂકાશે!
…પણ જેવીપીડી ફ્લાયઓવરના બાંધકામને કારણે વાહનચાલકોને રાહત નહીં મળે

મુંબઈ: અંધેરીનો સી. ડી. બરફીવાલા ફ્લાયઓવર સાત વર્ષ બાદ ૧૫મી મેના ખુલ્લો મૂકાવાની તૈયારી છે, પરંતુ વાહનચાલકોને તેનો આનંદ મનાવવા જેવું નથી, કારણ કે તેમને પ્રવાસ દરમિયાનની તકલીફોમાંથી છૂટકારો મળવાનો નથી.
જેવીપીડી ફ્લાયઓવરના બાંધકામને કારણે બરફીવાલા ફ્લાયઓવરના પશ્ચિમ તરફના છેડે અડચણ મળવાની જ છે. આ સિવાય પૂર્વ તરફ જતા વાહનોને જૂહુ તરફ જતા સાંકડા અને સિંગલ-લેન રોડ પર જવાની ફરજ પડશે. આ સમસ્યા જેવીપીડી ફ્લાયઓવર નહીં બને ત્યાં સુધી રહેવાની શક્યતા છે અને આ ફ્લાયઓવરને બનતા ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે.
ગોખલે બ્રિજ ગયા વર્ષે ખુલ્લો મૂકાવાનો હતો, પરંતુ બરફીવાલા ફ્લાયઓવરના પૂર્વ તરફના માર્ગમાં લોચો થતા તે ખુલ્લો મૂકાયો નહોતો. હવે તે જ બરફીવાલા ફ્લાયઓવર સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લો મૂકાવાનો છે તેમ છતાં વાહનચાલકોને પશ્ચિમ છેડે ચાલી રહેલા બાંધકામને કારણે ૯૦ ડિગ્રીમાં લેફ્ટ-ટર્ન લેવામાં મુશ્કેલી નડશે.
આપણ વાંચો: સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર ચાર જુલાઈની વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે બરફીવાલા ફ્લાયઓવરના વાહનો માટેની ચોક્કસ જગ્યા સહિત જેવીપીડી ફ્લાયઓવર માટે પેહલાથી યોજના તૈયાર હતી.
ગોખલે બ્રિજનો પ્રથમ તબક્કો ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના ખુલ્લો મૂકાયો હતો, પરંતુ બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે બ્રિજ વચ્ચેના અંતરને કારણે બરફીવાલા ફ્લાયઓવર અત્યાર સુધી બંધ જ હતો.
૧૪મી એપ્રિલ, ૨૦૨૪ના પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ, આઇઆઇટી-બૉમ્બે અને વીજેટીઆઇના નિષ્ણાતોના સહકાર સાથે આ અંતર દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ચોથી જુલાઇ, ૨૦૨૪ના આંશિક માર્ગ શરૂ કરાતા જૂહુ-અંધેરી પૂર્વ સુધીને બરફીવાલા ફ્લાયઓવર હલકા વાહનો માટે ખુલ્લો મૂકાયો હતો.