અલી રઝા, અખ્તર હુસેન, એલેકઝાંડર પાલ્મર: ‘અણુ-જાસૂસ’ એક, ઓળખ ત્રણ…

બોગસ વિજ્ઞાનીએ 20 વર્ષ સુધી બદલી ઓળખ: ત્રણ પાસપોર્ટ, નકલી દસ્તાવેજો બનાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)નો વિજ્ઞાની હોવાનો દાવો કરનારા શકમંદ અખ્તર કુતુબુદ્દીન હુસેનીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. 2004માં દુબઇથી ડિપોર્ટ કરાયા બાદ અખ્તરે માત્ર પોતાનું નામ નહીં, પણ સંપૂર્ણ પર્સનાલિટી બદલી નાખી હતી. તે ‘અખ્તર’માંથી એલેકઝાંડર પાલ્મર બની ગયો હતો. આ નામના તેણે ત્રણ પાસપોર્ટ સહ નકલી દસ્તાવેજો પણ બનાવ્યા હતા.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે (સીઆઇયુ) શુક્રવારે હુસેનીની ધરપકડ કરી હતી. 60 વર્ષના અખ્તર પાસેથી અતિસંવેદનશીલ અને પ્રતિબંધિત પરિસરના 14 નકશા તેમ જ ન્યૂક્લિયર બૉમ્બની માહિતી સંબંધી દસ્તાવેજો મળ્યા હતા.
અખ્તરના વર્સોવા સ્થિત યારી રોડ પર આવેલા ઘરે પોલીસ ટીમે તાજેતરમાં સર્ચ હાથ ધરી હતી. પોલીસને અખ્તરના ઘરમાંથી ત્રણ પાસપોર્ટ મળી આવ્યા હતા, જે એલેકઝાન્ડર પાલ્મરના નામે છે અને ત્રણેય પાસપોર્ટ પર જમશેદપુરના જવાહરનગરનું સરનામું છે. અખ્તરના ઘરેથી એલેકઝાંડર પાલ્મરના નામે અનેક બોગસ શૈક્ષણિક દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા. એ સિવાય પાલ્મરના નામે સિનિયર સેફ્ટી મેનેજર તરીકેના અનુભવના પ્રમાણપત્રો, એક ખાનગી કંપનીનું આઇડી કાર્ડ, બોગસ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી આવ્યાં હતાં.
અખ્તરના ઘરેથી એક આઇડી કાર્ડ મળ્યું હતું, જેના પર અલી રઝા હુસેની નામ હતું અને તસવીર તેની હતી. આ તમામ દર્શાવે છે કે અખ્તરે માત્ર ઓળખ નહીં, પણ નકલી કારકિર્દી ઊભી કરી હતી.
તપાસ એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે આ નકલી ઓળખ પર ત્રણ પાસપોર્ટ આટલા દસ્તાવેજો અને અખ્તરે કેવી રીતે બનાવડાવ્યા અને તેના દ્વારા તેણે કેટલી વિદેશ યાત્રાઓ કરી હતી. અખ્તરની વિદેશ યાત્રાઓ જાસૂસી અથવા સંવેદનશીલ માહિતીના વેચાણ સાથે જોડાયેલી હતી કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે.
અખ્તર હુસેન, જે હવે એલેકઝાંડર પાલ્મર તરીકે જીવિત છે, તેણે 20 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને આટલું મોટું નેટવર્ક કેવી રીતે ચલાવ્યું? આ સવાલ મુંબઈ પોલીસ તથા તપાસ એજન્સીઓને સતાવી રહ્યો છે.
આ પણ વાંચો…બોગસ વિજ્ઞાની પાસેથી 14 નકશા અને ન્યૂક્લિયર બૉમ્બની માહિતી મળી આવી!