બૅન્કના નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી નાણાં પડાવનારા બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સર્વેલન્સને નામે બૅન્કના નિવૃત્ત અધિકારીને સતત ત્રણ દિવસ સુધી વ્હૉટ્સઍપ વીડિયો કૉલ સામે બેસાડી રાખી 50.50 લાખ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રવિ આનંદા આંબોરે (35) અને વિશ્ર્વપાલ ચંદ્રકાંત જાધવ (37) તરીકે થઈ હતી. ગુનામાં વપરાયેલા બૅન્ક ખાતા વિરુદ્ધ દેશમાં સાત ફરિયાદ નોંધાયેલી હોવાનું અધિકારીનું કહેવું છે.
આપણ વાચો: ઈવીએમ હૅક કરી શકવાનો યુવાનનો દાવો: સાયબર પોલીસે ગુનો નોંધ્યો
આ પ્રકરણે સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે 9 ઑક્ટોબરે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બૅન્કના નિવૃત્ત અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી આરોપીએ 50.50 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આરોપીએ વ્હૉટ્સઍપ કૉલ અને બાદમાં વીડિયો કૉલથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો.
આરોપીએ પોતાની ઓળખ નાશિકના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપી હતી. મની લોન્ડરિંગના કેસમાં ફરિયાદીની સંડોવણી સામે આવી હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું. ફરિયાદીના બૅન્ક ખાતાનો ઉપયોગ ગેરકાયદે આર્થિક વ્યવહારમાં થયો હોવાનું જણાવી કાનૂની કાર્યવાહીનો ભય દેખાડવામાં આવ્યો હતો.
આપણ વાચો: ‘સાયબર પોલીસે’ જ જ્યારે ખંડણી વસૂલી…
ફરિયાદ અનુસાર સતત ત્રણ દિવસ સુધી ફરિયાદીને વીડિયો કૉલ સામે બેસી રહેવાની ફરજ પાડી હતી. ફરિયાદી અને તેમની પત્નીની ધરપકડ કરવામાં આવશે, એવું જણાવી આરોપીએ વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીએ સૌપ્રથમ 29.50 લાખ રૂપિયા જેના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તે યુવાન થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં રહે છે. પોલીસની ટીમે યુવાનને તાબામાં લીધા પછી તેણે આપેલી માહિતીને આધારે બીજા સાથીની ધરપકડ કરાઈ હતી. કમિશન લઈને આરોપીએ તેનું બૅન્ક ખાતું છેતરપિંડી માટે સાયબર ઠગોને આપ્યું હતું.



