કામનું જબરજસ્ત પ્રેશર: બેન્ક મેનેજરની અટલ સેતુ પરથી દરિયામાં છલાંગ
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર કાર થોભાવ્યા બાદ રાષ્ટ્રીયકૃત બેન્કના 40 વર્ષના મેનેજર સુશાંત ચક્રવર્તીએ દરિયામાં ઝંપલાવ્યું હોવાની ઘટના સોમવારે સવારના બની હતી. શિવડી પોલીસે અન્ય સર્ચ ટીમો સાથે સુશાંતની દરિયામાં શોધ ચલાવી હતી, પણ મોડી રાતે સુધી તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો અને અંધારાને કારણે સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. સુશાંતની પત્નીએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેના પતિને કામનું ભારે દબાણ હતું, જેને કારણે તે તાણ હેઠળ હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સવારે 9.57 વાગ્યે બની હતી. સુશાંત ચક્રવર્તીએ તેની લાલ રંગની મારુતિ બ્રેઝા કાર બ્રિજના દક્ષિણ તરફના ભાગ પર થોભાવી હતી અને બાદમાં મોબાઇલ સાથે દરિયામાં ઝંપલાવ્યું હતું.
સિનિયર ઇન્સ્પેક્ટર રોહિત ખોતે કહ્યું હતું કે ટ્રાફિક વિભાગ તરફથી અમને માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસને બ્રિજ પર સુશાંતની કાર મળી આવી હતી. કારનો રજિસ્ટ્રેશન નંબર આરટીઓને પોલીસે મોકલ્યો હતો, જેના પરથી માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર સહિતની માહિતી મળી આવી હતી. સુશાંત તેની પત્ની, સાત વર્ષની પુત્રી અને સાસુ સાથે પરેલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી.
પોલીસે સુશાંતની પત્નીનો સંપર્ક સાધ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી, જ્યાં પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે સુશાંતને કામનું જબરજસ્ત પ્રેશર હતું. શિવડી પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી. પોલીસને કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : દક્ષિણ મુંબઈના ક્લાસીસમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મથી ખળભળાટ: ત્રણ શિક્ષકની ધરપકડ
સુશાંત બેન્કની દક્ષિણ મુંબઈની બ્રાન્ચમાં મેનેજર તરીકે કામ કરતો હતો. સપ્તાહના અંતે તે પત્ની અને પુત્રીને લોનાવલા ફરવા માટે લઇ ગયો હતો. સોમવારે તે ઓફિસ જઇ રહ્યો હોવાનું કહી ઘરેથી નીકળ્યો હતો, પણ તે અટલ સેતુ પર પહોંચી ગયો હતો, જ્યાંથી તેણે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અંધારું થતાં સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયું હતું. મંગળવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરાશે. પોલીસે એ વિસ્તારના માછીમારોનો સંપર્ક કર્યો છે અને કોઇ મૃતદેહ મળે તો પોલીસને જાણ કરવાનું તેમને કહેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં 43 વર્ષની ડોક્ટર કિંજલ શાહે અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું હતું. ઘણી શોધ ચલાવ્યા છતાં તેનો મૃતદેહ મળી આવ્યો નહોતો.
ડોંબિવલીના એન્જિનિયર કે. શ્રીનિવાસે (38) જુલાઇમાં અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. એ અગાઉ તેણે પત્ની સાથે વાત કરી હતી.
ઑગસ્ટમાં મુલુંડની 57 વર્ષની મહિલાએ અટલ સેતુ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કૅબ ડ્રાઇવર અને ટ્રાફિક પોલીસે તેને બચાવી લીધી હતી.