બૅંક સાથે 75 લાખની ઠગાઇના કેસના ફરાર આરોપીની નવ વર્ષ બાદ ધરપકડ

થાણે: બૅંક સાથે 75.37 લાખ રૂપિયાની ઠગાઇના કેસના ફરાર આરોપીને નવ વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ ગોપાલ રાધેશ્યામ નાગ (42) તરીકે થઇ હોઇ તે થાણે જિલ્લામાં નામ બદલીને રહેતો હતો.
આ કેસ ડિસેમ્બર, 2012થી જૂન, 2016 દરમિયાન છ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઇનો છે.
આરોપીઓએ થાણે જિલ્લાની કો-ઓપરેટિવ બૅંકના મેનેજર સાથે મળીને નકલી સોનું ગિરવે મૂકીને 75.37 લાખની લોન મેળવી હતી. ભાયંદર પોલીસે આ પ્રકરણે છ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો અને કેસની તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી.
આપણ વાંચો: રેલવેમાં નોકરી અપાવવાને બહાને 23 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે આરોપનામું પણ દાખલ કરવામાં આવ્યું હતું, જ્યારે બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર ગોપાલ નાગ ત્યારથી ફરાર હતો અને તેને પોલીસ શોધી રહી હતી.
મીરા-ભાયંદર વસઇ-વિરારના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) મદન ભલ્લાળે જણાવ્યું હતું કે આરોપી ગોપાલ નાગ નાલાસોપારા વિસ્તારમાં પોતાનું નામ બદલીને રહેતો હોવાની કાશીમીરા પોલીસને તાજેતરમાં માહિતી મળી હતી. આથી પોલીસની ટીમે શોધ ચલાવી હતી અને તેને વિરાર ખાતેના મનવેલપાડા વિસ્તારમાંથી શનિવારે ઝડપી પાડ્યો હતો. (પીટીઆઇ)