આમચી મુંબઈ

રૂ. ૪૦૩૭ કરોડનું બૅંક કૌભાંડઃ ઇડીના દરોડામાં ૨૫૦થી વધુ બનાવટી કંપની મળી

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા રૂ. ૪,૦૦૦ કરોડના બૅંક કૌભાંડ પ્રકરણે મે. કોર્પોરેટ પાવર લિ. અને તેના આરોપી મનોજ જયસ્વાલ, અભિજીત જયસ્વાલ, અભિષેક જયસ્વાલ અને અન્યો સાથે સંબંધિત એવી ૧૪ જગ્યાએ દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહીમાં રૂ. ૨૦૫ કરોડના ડિમેટ અકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ સહિત અન્ય ફંડને મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ સિવાય રૂ. પંચાવન લાખની રોકડ પણ મળી આવી હતી. ઇડીએ આ પ્રકરણે અત્યાર સુધી રૂ. ૫૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ પણ નોંધી છે. આરોપીએ કોલકતા ખાતે અંદાજે ૨૫૦થી વધુ બનાવટી કંપનીઓ દ્વારા ગેરવ્યવહાર કર્યો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

સીબીઆઇએ સંબંધિત કલમો હેઠળ ૨૦૨૨માં નોંધેલા ગુનાના આધારે ઇડીએ આ પ્રકરણે તપાસ શરૂ કરી હતી. યુનિયન બૅંક ઓફ ઈન્ડિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર કોલકતાસ્થિત કંપનીએ ૨૦ બૅંકના સંગઠન સાથે રૂ. ૪૦,૩૭,૮૬,૦૦,૦૦૦ની છંતરપિંડી કરી હતી.

આ પણ વાંચો : દાદાગીરીઃ ખેડૂતોને હેરાન કરનારા બૅંકના મેનેજર પર નેતાએ કર્યો હુમલો, વીડિયો વાઈરલ

આ કંપનીએ ૨૦૦૯થી ૨૦૧૩ સુધી ખોટા પ્રકલ્પો ખર્ચના દસ્તાવેજો જમા કરીને બૅંક પાસેથી લૉન લીધી હતી. આ કરજને ૨૦૧૯માં ડિફોલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

પેટા કંપનીઓને લૉન આપવામાં આવી અને આ રકમ કોલકતાસ્થિત ૨૫૦થી વધુ બનાવટી કંપનીઓના માધ્યમથી ફેરવવામાં આવી હતી. આ કંપનીઓ નાનકડી જગ્યામાં પતરાની દીવાલો સાથે ખોલવામાં આવી હતી. તપાસ દરમિયાન આ કંપનીઓ ત્યાં અસ્તિત્વમાં જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આ સિવાય ચેરિટી સંસ્થાના નાણાં પણ વાપરવામાં આવ્યા હોવાનું ઇડીને જાણવા મળ્યું હતું. ઇડીની તપાસમાં અભિજીત ગ્રુપ દ્વારા આ બનાવટી કંપનીઓ તથા સંસ્થાઓનો ઉપયોગ ભંડોળ વધારવા માટે કરવામાં આવ્યો હતો અને તેથી બૅંકો તરફથી નવું કરજ મેળવવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button