
મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર ઊંચું વળતર મેળવવાની લાલચમાં બાન્દ્રામાં રહેતી 62 વર્ષની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
વેસ્ટ રિજન સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ પ્રતિષ્ઠિત ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં વૃદ્ધા સાથે કથિત છેતરપિંડી કરી હતી. વૃદ્ધાએ છેલ્લા બે મહિનામાં આ રકમ ગુમાવી હતી.
ફરિયાદીને સૌપ્રથમ અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો.
આરોપીએ પોતાની ઓળખ કંપનીના વરિષ્ઠ અધિકારીના આસિસ્ટન્ટ તરીકે આપી હતી અને શૅરબજારમાં રોકાણ સંદર્ભેની વાત કરી હતી. બાદમાં ફરિયાદીને કંપનીના અધિકારીનો સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો અને એક વેબસાઈટની લિંક પર પૂરી પાડવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા
બાદમાં ફરિયાદીને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી અને ગ્રૂપના અન્ય સભ્યોનો પરિચય કરાવાયો હતો, જેમણે પોતાની ઓળખ કંપનીના સહયોગી તરીકે આપી હતી. ઊંચા વળતરની લાલચમાં ફરિયાદીએ વિવિધ બૅન્ક ખાતાંમાં 7.88 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદીએ તેના ખાતામાં જમા થયેલી રકમ કઢાવવાનો પ્રયાસ કરતાં વધારાની 10 ટકા રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીને કંઈ શંકાસ્પદ જણાતાં તેણે તપાસ કરી હતી. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)