બાંદ્રા ટર્મિનસમાં રેલવેનો મોટો પ્રોજેક્ટ પૂર્ણઃ વધારે ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો

મુંબઈ: પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસમાં લાંબા અંતરની ટ્રેનોની જાળવણી ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોની વધતી સંખ્યા અને ટ્રેનોની માંગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસમાં ત્રણ નવી મેઇન્ટેનન્સ લાઈનો બનાવવામાં આવી છે. આનાથી ટ્રેન ઊભી રાખવા માટે વધારાની જગ્યા ઉપલબ્ધ થઈ છે અને ભવિષ્યમાં વધુ ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થયો છે.
પહેલા બાંદ્રા ટર્મિનસ પર ફક્ત ત્રણ મેઇન્ટેનન્સ લેન હતા. હવે ત્રણ નવા લેન ઉમેરાતાં કુલ છ લેન પર ટ્રેન જાળવી શકાશે. આ નવી લેનમાં અત્યાધુનિક ટ્રેન ધોવાની સુવિધાઓ પણ છે. દરેક લેન ૫૪૦ મીટર લાંબી છે અને ૨૪ કોચવાળી પેસેન્જર ટ્રેન માટે યોગ્ય છે.
આપણ વાચો: બાંદ્રા ટર્મિનસમાં ‘નવી પિટ લાઈન’ બનાવાઈ: સેમી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી કરાશે…
હાલમાં, બાંદ્રા ટર્મિનસ ખાતે કોચિંગ ડેપોમાં લગભગ ૮૦૦ કોચ જાળવવામાં આવે છે. એલએચબી કોચ દર ૩૬ મહિને અને આઇસીએફ કોચ દર ૧૮ મહિને જાળવવામાં આવે છે. રેલવે ટર્મિનસની ક્ષમતા વધારવા માટે, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ પર નવી લેન પર કામ ચાલી રહ્યું છે અને ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું પણ કામ ચાલી રહ્યું છે.
આ ત્રણ નવા ટ્રેકમાંથી પહેલો ટ્રેક જુલાઈ ૨૦૨૪માં કાર્યરત થયો હતો, જ્યારે બાકીના બે ટ્રેકનું કામ ડિસેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થયું હતું. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૫૬.૭૬ કરોડ થયો છે. આ નવી લાઈનોને કારણે ભવિષ્યમાં વધારાની નવ લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.



