આમચી મુંબઈ

બાન્દ્રાના મૉલની આગની તપાસ માત્ર નામ પૂરતી થશે?

એનસીપીના નેતા એવા માલિકની રાજકીય વગરને લીધે ઉપર-ઉપરથી તપાસ કરી ભીનું સંકેલાવાની શક્યતા: બાવીસ કલાકે સંપૂર્ણપણે આગ બુઝાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિકિંગ રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના લિંક સ્કવેર મૉલમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગ છેક બાવીસ કલાકે એટલે કે મંગળવારે મોડી રાતના ૧.૪૧ વાગે નિયંત્રણમાં આવી હતી, જોકે કૂલિંગ ઓપેરશન મોડે સુધી ચાલ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગમાં રહેતી ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આગ બુઝાવવા માટે મદદરૂપ થઈ શકી નહોતી. આગ લાગવાનું ચોક્કસ કારણ ફાયરબિગ્રેડ દ્વારા તપાસ થયા બાદ જાણી શકાશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ મૉલમાં મોટા પાયા પર ગેરકાયદે બાંધકામ હતું અને મૉલના માલિક અને એનસીપીના નેતા ઝીશાન સિદ્દીકીની રાજકીય વગને કારણે આગની દુર્ઘટનાની ઊંડી તપાસ થવાની શક્યતા બહુ ઓછી છે. ફાયરબિગ્રેડ દ્વારા દેખાવ પૂરતી આ ઘટનાની તપાસ થયા બાદ બધુ ભીનું સંકેલાઈ જવાની શક્યતા છે.

બાન્દ્રામાં લિકિંગ રોડ પર આવેલા ત્રણ બેઝમેન્ટ સહિત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના કમર્શિયલ લિંક સ્વેકર મોલમાં બેઝમેન્ટમાં રહેલા ક્રોમાના શોરૂમમાં મંગળવારે વહેલી સવારના ૩.૫૮ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૉલમાં અત્તર, કપડાં, ઈલેક્ટ્રિક સામાન જેવા જ્વલનીશ વસ્તુઓને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. તેમાં પાછું અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ હોવાને કારણે અને કાચની બિલ્ડીંગ હોવાથી ધુમાડો બહાર નીકળી નહીં શકવાને કારણે ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં ભારે તકલીફ થઈ હતી.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારે વહેલી સવારના આગ લાગી ત્યારબાદ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. આ બિલ્િંડગમાં ત્રણ માળ છે, તેમાંથી બેઝમેન્ટમાં હવા બહાર નીકળવા માટે વેન્ટિલેશન નહીં હોવાથી અંદર ધુમાડો અને ગરમી વધીને આખા મૉલની બિલ્ડિંગમાં ફેલાઈ હતી અને તેને કારણે બિલ્િંડગની અંદર દુકાનમાં રહેલા સામાનનું તાપમાન પણ વધી ગયું હતું અને તેને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ ઝડપથી વધી રહી હોવાને કારણે ફાયર એન્જિન, જંબો ટેન્કર, એરિયલ લેડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ, ટર્ન ટેબલ લૅડર તથા જેસીબીની મદદ પણ લેવામાં આવી હતી. બિલ્િંડગની છત બંધ હોવાને કારણે તેમ જ બિલ્ડિંગ આખી કાચની હોવાને કારણે ધુમાડો અને ગરમી બહાર નીકળી શકી નહોતી.

સવારના ૬.૨૫ વાગે આગને ચાર નંબરની જાહેર કરવામાં આવી હતી. ત્રણ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ઉપરના ત્રણ માળ એમ કુલ આઠથી દસ હજાર ચોરસફૂટના પરિસરમાં અને બિલ્ડિંગની છત પર બંધ રહેલો ડોમ, જુદી જુદી દુકાનો તેમાં રહેલા સામાન અને કપડા તેમ જ બ્યુટી આઈટમને કારણે આગ સતત ફેલાઈ રહી હતી. તે છેક મંગળવારે મોડી રાતના ૧.૫૧ વાગે આગ સંર્પૂણપણે નિયંત્રણમાં આવી હતી. આગ ફરી ફાટી ના નીકળે તે માટે ઘટના સ્થળે બે ફાયર એન્જિન અને બે જમ્બો વોટર ટેન્કર રાખવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ બિલ્ડિંગમાં રહેલી ફાયરસેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાને કારણે આગ લાગ્યા બાદ તેને બુઝાવવામાં મદદ મળી શકી નહોતી. જ્વલનશીલ આઈટમોના સ્ટોકને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. તેમાં પાછું અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે સ્ટ્રક્ચરલ ફેરફાર કરવામાં આવ્યા હતા, તેને કારણે ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં ભારે તકલીફ થઈ હતી. ફાયરબ્રિગેડ અને પાલિકાના એચ-વેસ્ટ વોર્ડ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે

જેમાં બિલ્ડિંગની સુરક્ષા યંત્રણાની સાથે જ ફાયર ઓડિટ અને બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું કે તેની તપાસ કરાશે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ મૉલના માલિક રાજકીય નેતા હોવાને કારણે તપાસમાં કંઈ બહાર આવવાનું નથી. આ દરમયાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું મોલમાં લાગેલી આગ અને ગેરકાયદે બાંધકામની તપાસ માટે જોઈન્ટ કમિશનર ડી. ગંગાધરનની નિમણૂક કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button