બાંદ્રા-જયપુર એક્સપ્રેસમાં દંપતીને ચાકુની ધાક દાખવી સાત લાખની મતા લૂંટી…

મુંબઈ: બાંદ્રા-જયપુર એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા દંપતીને લૂંટારું ટોળકીએ ચાકુની ધાક દાખવી ઘરેણાં-રોકડ સહિત સાત લાખ રૂપિયાની મતા લૂંટી હતી. જોગેશ્ર્વરી અને મલાડ સ્ટેશન દરમિયાન શનિવારે બપોરે આ ઘટના બની હતી. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયો હોઇ આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે.
જોગેશ્ર્વરી વિસ્તારમાં રહેતો બિલ્ડર અયુબ ખાન એપ્રિલમાં તેની પત્ની હીના (30), પુત્રી સાયરા (7) અને પુત્ર અબ્બાન (11) સાથે રાજસ્થાનના ફતેપુર ખાતે પોતાના વતન ગયો હતો. શુક્રવારે રાતે આ પરિવાર બાંદ્રા-જયપુર એક્સપ્રેસમાં મુંબઈ પાછો ફરી રહ્યો હતો. તેઓ ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરી રહ્યાં હતાં.
શનિવારે બપોરે ટ્રેન બોરીવલી સ્ટેશને થોભી હતી. ત્યાંથી ઊપડ્યા બાદ ટ્રેનની ગતિ ધીમી થઇ ગઇ હતી. ટ્રેન મલાડ સ્ટેશન ક્રોસ કર્યા બાદ અજાણ્યા શખસે હીના ખાનને કહ્યું હતું કે અંધેરી સ્ટેશન આવવાનું હોવાથી તમારો સામાન બહાર કાઢી રાખો. ખાન પરિવાર પાસે બોક્સ અને ચાર બેગ હતી, જે તેમણે દરવાજા પાસે લાવીને રાખી હતી. સામાન દરવાજા પાસે લાવવામાં અજાણ્યા શખસે તેમને મદદ પણ કરી હતી.
એ સમયે અન્ય ત્રણ શખસ ત્યાં આવીને ઊભા રહ્યા હતા. અયુબ ખાનને તેમના પર શંકા જતાં તે પૂછપરછ કરવા લાગ્યો હતો. એવામાં એક શખસ ચાકુ કાઢીને ખાનને ધમકાવવા લાગ્યો હતો. જોકે ખાન અને તેની પત્નીએ ડર્યા વિના તેમનો સામનો કર્યો હતો. દંપતીને પ્રતિકાર કરતા જોઇને એક શખસ ટ્રેનમાંથી બહાર કૂદી પડ્યો હતો. ખાન અને તેની પત્નીએ બાકીના ત્રણને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ એક બેગ આંચકીને ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. બેગમાં દાગીના-રોકડ સહિત સાત લાખ રૂપિયાની મતા હતી. આરોપીઓનો પ્રતિકાર કરતી વખતે તેમની બેગ ખાન દંપતીના હાથે લાગી હતી, જે બાદમાં તેમણે રેલવે પોલીસને હવાલે કરી હતી.