આમચી મુંબઈ

બાળકના કલ્યાણ સામે ‘ધર્મ’ને મહત્ત્વ આપી શકાય નહીં: હાઈ કોર્ટનો મહત્ત્વનો આદેશ

દીકરીની કસ્ટડી માગતા મુસ્લિમ પિતાને હાઇ કોર્ટનો જવાબ

મુંબઈ: નાનકડી દીકરીને પત્ની દ્વારા જબરદસ્તીથી લઇ જવામાં આવી હોવાનો આક્ષેપ કરનાર મુસ્લિમ વ્યક્તિને કોઇ પણ રાહત આપવાનો ઇનકાર કરતા બૉમ્બે હાઇ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ધર્મ એ નિર્ણાયક મુખ્ય પરિબળ નથી, જ્યારે બાળકનું કલ્યાણ વધુ મહત્ત્વ ધરાવે છે.

અરજદારે કોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસ (વ્યક્તિ રજૂ કરે) અરજીમાં જણાવાયું હતું કે તે અને તેની પત્ની મુસ્લિમ છે તથા મોહમ્મદન કાયદા પ્રમાણે બાળકના કુદરતી વાલી તેના પિતા હોય છે. તેથી તેની ત્રણ વર્ષની દીકરીની કસ્ટડી તેને સોંપવામાં આવે.

પત્નીનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ ૧૯૯૫માં ભારતનું નાગરિકત્વ મેળવ્યું હતું. હાલમાં તે દિલ્હીમાં રહે છે, પરંતુ તે દીકરીને લઇને દેશ છોડી દેશે એવો ડર છે, એમ અરજીમાં જણાવાયું હતું.

આપણ વાંચો: વહુને ટીવી જોવા ન દેવું એ ક્રુરતા? બૉમ્બે હાઇ કોર્ટે વીસ વર્ષ પહેલાના કેસમાં પતિ અને તેના પરિવારજનોને દોષમુક્ત કર્યા

હાઇ કોર્ટે સોમવારે અરજીને ફગાવતા કહ્યું હતું કે કોર્ટ દ્વારા બાળકના કલ્યાણ વિશે વિચારવામાં આવે છે. પ્રસ્તાવિત વાલીની ક્ષમતા, પાત્ર અને ધર્મ એ ઘણા પરિબળોમાંથી એક છે જે ધ્યાનમાં લેવાની જરૂર છે. તેથી આવા કેસમાં ફક્ત સંબંધિત વ્યક્તિનો ફક્ત ધર્મ વિશે વિચારણા કરવામાં આવતી નથી. સગીરના ધર્મ વિશે પણ વિચારણા થવી જોઇએ, પણ ધર્મ એ નિર્ણાયક મુખ્ય પરિબળ નથી, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.

‘અમારા મત પ્રમાણે ત્રણ વર્ષની બાળકીના કલ્યાણ માટે તેની માતાની કસ્ટડી યોગ્ય છે. માતાની પૂરતી આવક પણ છે’, એમ કોર્ટે કહ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button