બાવનકુળેનું ઉદ્ધવ ઠાકરે પર ‘બાળાસાહેબાસ્ત્ર’: કૉંગ્રેસ સંબંધિત જૂનો વીડિયો શેર કરીને પૂછ્યાં આકરા સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારવા માટે તેમના જ પિતા બાળ ઠાકરેના એક જૂના વીડિયોનો આધાર લીધો છે અને ઉદ્ધવને કેટલાક સવાલો કર્યા છે.
શિવતીર્થ (શિવાજી પાર્ક) મહારાષ્ટ્રનું તીર્થસ્થળ છે. શિવતીર્થ અને આદરણીય બાળાસાહેબ ઠાકરે એવું સમીકરણ છે, અગાઉ આ જ શિવતીર્થમાંથી સ્વતંત્રતાના મહાનાયક સાવરકરના શક્તિશાળી અવાજે રાષ્ટ્રપ્રેમ, હિંદુત્વ અને દેશભક્તિનો પહેલો પોકાર ગુંજ્યો હતો.
આ શિવતીર્થ પરથી જ હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેએ મરાઠી લોકોના સન્માન અને અધિકારો માટે શિવસેનાની સ્થાપના કરી હતી, એમ તેમણે કહ્યું હતું.
હિંદુ હૃદયના સમ્રાટ બાળાસાહેબનું પણ એક સ્મારક અહી બનાવવામાં આવ્યું છે, બાળ ઠાકરેએ કહ્યું હતું કે, “હું શિવસેનાને કોંગ્રેસ નહીં થવા દઉં, બલ્કે એવું થશે ત્યારે હું મારી દુકાન બંધ કરીશ.” રાહુલ ગાંધી અને તેમની પાર્ટી બાળાસાહેબને તેમની પુણ્યતિથિ કે જન્મજયંતિ પર વંદન કરતા નથી.
તમે કેમ વંદન કરતા નથી આવો સવાલ પૂછવાની શું ઉદ્ધવ ઠાકરેમાં હિંમત હશે? શું રાહુલ ગાંધી આદરણીય બાળાસાહેબના સ્મારકને વંદન કરવા જશે? એવા અનેક સવાલો સામાન્ય શિવસૈનિકોના મનમાં છે, એવું બાવનકુળેએ કહ્યું હતું.
આજે રાહુલ ગાંધી ‘ન્યાય યાત્રા’ની ડ્રામા કંપની સાથે આ શિવતીર્થ પર આવશે. હવે શું ઉદ્ધવ ઠાકરે આ શિવતીર્થ પર જઈને રાહુલ ગાંધીને શરણે જશે એવો પ્રશ્ન છે એમ પણ તેમણે કહ્યું હતું.