બાળ ઠાકરેના હિન્દુત્વને અમે આગળ લઈ જઈશું: એકનાથ શિંદે
કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથનો નારો આપ્યો: ઉદ્ધવ ઠાકરેને શહીદોનું આ અપમાન માન્ય છે? એવો સવાલ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરેના મૃત્યુ બાબતે કરવામાં આવેલા નિવેદન બાદ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા સેવવામાં આવેલી ચુપકીદી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે દ્વારા આ નિવેદનની કાઢવામાં આવેલી ઝાટકણીને પગલે હવે લોકોને એકનાથ શિંદેમાં દિવંગત શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેની છબી દેખાઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવું નિવેદન કર્યું હતું કે 26/11ના હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને આતંકવાદી કસાબની ગોળી લાગી નહોતી. આ નિવેદનની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે 26/11ના હુમલામાં શહીદ થયેલા પોલીસો અને મૃત્યુ પામેલા નિષ્પાપ મુંબઈગરા બાબતે વિજય વડેટ્ટીવારે કરેલું નિવેદન ભારે ગુસ્સો અને નારાજી જન્માવનારું છે. ભારત જોડો નહીં, ભાજપ તોડો યાત્રા કરનારા રાહુલ ગાંધીને પગલે ચાલીને વિજય વડેટ્ટીવાર હવે પાગલ થઈ ગયા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આરએસએસ એ નસનસમાં રાષ્ટ્રભક્તિ ભરેલું સંગઠન છે. એડવોકેટ ઉજ્જવલ નિકમે તો અનેક દેશદ્રોહીઓને ફાંસીને માંચડે પહોંચાડવાનું કામ કર્યું છે.
કૉંંગ્રેસની નીતિ પાકિસ્તાન સમર્થક છે. પાકિસ્તાનના નિવેદનમાં હાં જી હાં કરનારું નિવેદન કૉંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યું તે અત્યંત કમનસીબ છે. મતોની લાચારી માટે કૉંગ્રેસે આજે આવા ગંભીર આક્ષેપ કર્યા છે. તેમની સાથે બેસનારાને લોકોની નહીં તો પોતાના મનની શરમ આવવી જોઈતી હતી, એવો ટોણો એમણે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને લગાવ્યો હતો.
તેમણે એવો સવાલ કર્યો હતો કે શહીદ પોલીસ જવાનો માટે અત્યંત વાંધાજનક નિવેદન કરનારા કૉંગ્રેસની સાથે બેઠેલા નકલી હિન્દુત્વવાદીઓ અત્યારે કેમ ચુપ છે? તેમણે આ પ્રસંગે કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથનો નારો આપ્યો હતો.
નકલી હિન્દુત્વ, હું હિંદુ છું, હું મર્દ છુંં આવું બોલીને કોઈ હિંદુ થતું નથી. આજે હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરે હોત તો તેમને ખોખરા કરી નાખ્યા હોત એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે મુંબઈગરા આ અપમાનનો બદલો લીધા વગર શાંત બેસશે નહીં.
મુંબઈ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર હતી અને તેથી જ પાકિસ્તાન સાથે આ હુમલાનો બદલો લેવામાં આવશે એવી અપેક્ષા નિષ્ફળ નીવડી હતી. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારત મજબૂર નહીં, મજબૂત દેશ છે એ દેખાડી દેવામાં આવ્યું હતું.
અત્યારે દેશને ઘૂસ કે મારેંગે કહેનારા વડા પ્રધાન મળ્યા છે. મોળી મોળી વાતો કરનારા રાહુલ ગાંધીને તો બોલવાનો નૈતિક અધિકાર પણ નથી. ચૂંટણીના પ્રચાર અંગે કરવામાં આવેલી જાહેરાત પર કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો તેનું કારણ શું છે? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથ એમ કહેવું ખોટું ઠરશે નહીં. જ્યારે કૉંગ્રેસ ચૂંટણી જીતે છે ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે છે. ક્રિેકેટ મેચમાં ભારત હારે ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે છે. કૉંગ્રેસ આટલા વર્ષો સત્તામાં રહી ત્યારે પણ કાશ્મીરને મુદ્દે નરમ વલણ અપનાવ્યું હતું. આપણા જવાનોનાં માથાં વાઢીને પાકિસ્તાનમાં લઈ જવામાં આવતા હતા ત્યારે કૉંગ્રેસ સરકાર મોંમાં મગ ભરીને ચૂપ બેઠી હતી. હવે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
રેલી છોડીને જખમી બાળકને હૉસ્પિટલ પહોેંચાડ્યો: શિંદેનો માનવીય ચહેરો
થાણેમાં શિવસેનાના ઉમેદવાર નરેશ મ્હસ્કેના પ્રચાર માટેની રેલી કિસન નગર વિસ્તારમાં પહોંચી ત્યારે એકનાથ શિંદની અંદર રહેલા સંવેદનશીલ વ્યક્તિત્વની ઓળખ મળી હતી. રેલી ચાલી રહી હતી ત્યારે એક માતા પોતાના જખમી બાળકનો હાથ પકડીને જઈ રહી હોવાનું તેમને દેખાયું હતું. મુખ્ય પ્રધાને તરત રેલી છોડી દીધી હતી અને હાથમાં ગંભીર રીતે દાઝી ગયેલા તે બાળકની મદદે પહોંચી ગયા હતા. બાળકને પોતાની સાથે લઈને નજીકમાં આવેલી માનવતા હોસ્પિટલમાં પોહોંચ્યા હતા અને ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરોને તત્કાળ તે બાળકના હાથ પર સારવાર કરવા જણાવ્યું હતું. નવ વર્ષના આ બાળકનું નામ રૂદ્રાંશ રોનિત ચૌધરી હતું અને ઘરમાં રમતી વખતે તેના હાથ પર ગરમ તેલ ઉડતાં તેનો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. તે સુખરુપ હોવાના સમાચાર મળ્યા પછી શિંદે ફરી રેલીમાં જોડાયા હતા. આ બાળકનું નામ પોતાના પૌત્રનું જ હોવાનું જાણવા મળ્યા બાદ તેઓ ગળગળા થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.